નિયમિત વૈષ્ણોદેવી જતા અક્ષયનો હવે ક્યારેય ત્યાં ન જવાનો નિર્ધાર

25 September, 2012 05:35 AM IST  | 

નિયમિત વૈષ્ણોદેવી જતા અક્ષયનો હવે ક્યારેય ત્યાં ન જવાનો નિર્ધાર



અક્ષયકુમાર આમ તો ભારે ધાર્મિક પ્રકૃતિનો ગણાય છે. તેના ઘરે તમામ ધાર્મિક પ્રસંગોની ઉલ્લાસપૂર્વક ઉજવણી થાય છે અને સાથોસાથ તે અત્યારસુધી નિયમિત જમ્મુ-કાશ્મીરમાં આવેલા વૈષ્ણોદેવીનાં દર્શન માટે જતો હતો. જોકે હવે અક્ષયે ત્યાં ક્યારેય ન જવાનો નિર્ધાર કર્યો છે. અક્ષય કહે છે, મારી લેટેસ્ટ ફિલ્મ ‘ઓહ માય ગૉડ’માં મેં ભજવેલા ભગવાનના રોલને લીધે મારી ધાર્મિક માન્યતાઓમાં પરિવર્તન આવતાં મેં આ નિર્ણય લીધો છે.

આ નિર્ણય વિશે વાત કરતાં અક્ષય કહે છે, ‘હું દરેક વ્યક્તિને તેની મંદિરની વ્યાખ્યા પૂછવા માગું છું. આ શબ્દોનો સાચો અર્થ છે મનનો આધાર એટલે કે ભગવાન આપણી અંદર રહેલો છે. હું જ્યારે ‘ઓહ માય ગૉડ’ જે નાટક ‘કાનજી વિરુદ્ધ કાનજી’ પરથી બની છે એ જોઈ રહ્યો હતો ત્યારે આખા નાટક દરમ્યાન હસતો રહ્યો હતો પણ એનો અંત આવ્યો ત્યારે મને બહુ આંચકો લાગ્યો હતો. એ પછી મારી વિચારસરણીમાં ફેરફાર આવ્યો.’

પોતાની વિચારસરણીમાં આવેલા પરિવર્તન વિશે વાત કરતાં અક્ષય કહે છે, ‘મને એહસાસ થયો કે હું જ્યારે કોઈ ધાર્મિક જગ્યાની મુલાકાતે જાઉં છું ત્યારે એ ટ્રિપ પાછળ ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચાઈ જાય છે. હું ફસ્ર્ટ ક્લાસમાં પ્રવાસ કરું છું, પૂરતી સિક્યૉરિટી-વ્યવસ્થા રાખું છું, ફાઇવસ્ટારમાં રહું છું અને ડોનેશન માટે મોટી રકમ આપું છું. હવે હું આ એક ટ્રિપ પાછળ થતો તમામ ખર્ચ પરેલ હૉસ્પિટલમાં કૅન્સરના દરદીઓને આપું છું. આ ફિલ્મ બનાવીને મેં દર્શકોને ભગવાનનો સાચો મતલબ સમજાવાનો નાનોસરખો પ્રયાસ કરી જોયો છે. હું આજે આ મામલે સંપૂર્ણપણે બદલાઈ ગયો છું.’