09 September, 2025 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
હાલમાં સલમાન ખાન ‘બિગ બૉસ 19’ના હોસ્ટની જવાબદારી નિભાવી રહ્યો છે. હાલમાં આ શોમાં શહનાઝ ગિલના ભાઈ શહબાઝ બદેશાની વાઇલ્ડકાર્ડ એન્ટ્રી થઈ હતી. આ શોના એપિસોડમાં શહનાઝ ગિલ ગેસ્ટ તરીકે જોવા મળી. શહનાઝે શોમાં સલમાનને તેના ભાઈ શહબાઝની કરીઅર બનાવવાની વિનંતી કરી અને કહ્યું કે તમે ઘણા લોકોની કરીઅર બનાવી છે. એના પર સલમાને કહ્યું, ‘મેં ક્યાં કોઈની કરીઅર બનાવી છે? કરીઅર બનાવનારો તો ઉપરવાળો છે. હા, મારા પર લાંછન લગાવવામાં આવ્યું છે કે મેં ઘણા લોકોની કરીઅર ડુબાડી છે, પણ એ મારા હાથમાં નથી. આજકાલ ચર્ચા ચાલે છે કે હું લોકોની કરીઅર ખાઈ જઈશ, પણ હું કોની કરીઅર ખાઈ ગયો? જો ખાવી જ હોય તો હું મારી પોતાની કરીઅર ખાઈ જઈશ.’
૬૦ વર્ષના થવા આવેલા સલમાન ખાનને છે તેની પાસે ઓછા દિવસો હોવાનો અહેસાસ
સલમાન ખાન ૫૯ વર્ષનો છે અને ૨૭ ડિસેમ્બરે ૬૦ વર્ષનો થઈ જશે. સલમાનને અહેસાસ છે કે તેની વય વધી રહી છે અને તેણે પોતાની આ લાગણી રિયલિટી શો ‘બિગ બૉસ 19’માં વ્યક્ત કરી છે. આ શોમાં સલમાને એક સ્પર્ધક અમાલ મલિકને તેની લાંબો સમય સૂતા રહેવાની આદત પર કમેન્ટ કરીને કહ્યું હતું કે ‘તું ઘરમાં ફક્ત સૂતો જ દેખાય છે. આજ સુધી કોઈ પણ સીઝનમાં આટલી બધી નિંદર કરતો સ્પર્ધક મેં નથી જોયો. હું મારા અનુભવ પરથી કહું છું કે જેમ-જેમ ઉંમર વધી રહી છે એમ જીવનની દરેક પળને ખુલ્લા દિલથી જીવવું મહત્ત્વપૂર્ણ બની ગયું છે. મારી વાત કરું તો મારા જેટલા દિવસ ગયા છે એની સરખામણીમાં હવે મારી પાસે બહુ ઓછા દિવસો રહ્યા છે. આ સંજોગોમાં ઍક્ટિવ બનવાનો એક જ ઉપાય છે, ઍક્ટિવ રહો.’