‘સિંઘમ’ગર્લ કાજલ અગરવાલ બૉલીવુડમાંથી થઈ ગઈ છે ગાયબ

06 August, 2012 06:05 AM IST  | 

‘સિંઘમ’ગર્લ કાજલ અગરવાલ બૉલીવુડમાંથી થઈ ગઈ છે ગાયબ

‘સિંઘમ’માં અજય દેવગનની હિરોઇન તરીકે બૉલીવુડમાં આવેલી કાજલ અગરવાલની ભારે પ્રશંસા થઈ હતી. કાજલની પહેલી ફિલ્મની સફળતાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં કાજલે આ સફળતાનો લાભ ઉપાડીને ઢગલાબંધ ફિલ્મો સાઇન કરવાને બદલે એકમાત્ર અક્ષયકુમાર સાથેની ડિરેક્ટર નીરજ પાન્ડેની ‘સ્પેશ્યલ છબ્બીસ’ સાઇન કરી છે. આ ફિલ્મ ૧૯૮૭માં ઑપેરા હાઉસમાં આવેલી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરીની બ્રાન્ચમાંથી ધોળા દિવસે થયેલી લૂંટની ઘટનાના આધારે બનાવવાનું આયોજન છે.

કાજલ અત્યારે સ્વિટ્ઝરલૅન્ડમાં તામિલ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

‘સિંઘમ’ પછી એક જ ફિલ્મ સાઇન કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં કાજલ કહે છે, ‘ફિલ્મ ‘સિંઘમ’ની સફળતા પછી હું હિન્દી ફિલ્મોને બદલે સાઉથની ફિલ્મો કરી રહી હોવાથી લોકોને નવાઈ લાગી રહી છે. એવું નથી કે મને હિન્દી ફિલ્મોની ઑફર નથી મળતી. માત્ર હિન્દી ફિલ્મ કરવા ખાતર હું આ ફિલ્મો કરવા નથી માગતી. હું મને પસંદ પડે એવી વાર્તાવાળી ફિલ્મો જ કરવા માગું છું. મારે બૉલીવુડની હિરોઇન કે સાઉથની હિરોઇન જેવી કોઈ છાપ નથી જોઈતી. મારા માટે ભાષા મહત્વની નથી, ફિલ્મમાં મારું કેટલું મહત્વ છે એ વાત અગત્યની છે. ‘સિંઘમ’ પછી મારે વિદેશમાં બહુ લાંબો સમય શૂટિંગ કરવું પડ્યું હોવાને કારણે મારે મુંબઈથી દૂર રહેવું પડ્યું છે. હું આજે પણ ‘સિંઘમ’ના ડિરેક્ટર રોહિત શેટ્ટીના સંપર્કમાં છું.’

કાજલ છે સાઉથ મુંબઈ ગર્લ

કાજલ અગરવાલ ભલે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરતી હિરોઇન તરીકે જાણીતી હોય, પણ હકીકતમાં તે દક્ષિણ મુંબઈમાં ઊછરેલી યુવતી છે. તે ચર્ચગેટમાં રહે છે અને તેણે પોતાનો અભ્યાસ સેન્ટ એન્સ સ્કૂલ તથા જયહિન્દ કૉલેજમાં કર્યો છે.