07 July, 2024 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કરણ જોહર આજે સફળ પ્રોડ્યુસર અને ડિરેક્ટર છે. તેના ધર્મા પ્રોડક્શન્સ હેઠળ તેણે અનેક ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેના ડૅડી યશ જોહરે ૧૯૭૯માં ધર્મા પ્રોડક્શન્સની સ્થાપના કરી હતી. એ બૅનર હેઠળ તેમણે ૧૯૮૦માં પહેલી ફિલ્મ અમિતાભ બચ્ચન અને ઝીનત અમાન સાથે ‘દોસ્તાના’ બનાવી હતી. એ ફિલ્મ બાદ તેમણે બનાવેલી પાંચ ફિલ્મો ફ્લૉપ ગઈ હતી એને કારણે તેમના પર દેવું વધી ગયું હતું. એ વાત યાદ કરતાં કરણ કહે છે, ‘એ સમયમાં ફાઇનૅન્સર્સ અમને પૈસા આપતા અને એ પૈસાથી અમે ફિલ્મો બનાવતા હતા. બાદમાં તેમને વ્યાજ સહિત અમે પૈસા પાછા આપતા હતા. જોકે પાપાની પાંચ ફિલ્મો ફ્લૉપ જતાં મમ્મીએ મારી નાનીનો ફ્લૅટ વેચી નાખ્યો હતો. એ પછી મમ્મીએ પોતાની જ્વેલરી અને ડૅડીએ દિલ્હીની તેમની પ્રૉપર્ટી વેચી દીધી હતી. અમે ધનવાન નહોતા. મેં જ્યારથી ધર્માની કમાન મારા હાથમાં લીધી અને ફિલ્મો ડિરેક્ટ કરવાનું શરૂ કર્યું ત્યારથી અમારી પાસે પૈસા આવવા માંડ્યા હતા. જોકે એને માટે મેં ખૂબ મહેનત કરી છે. એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે મેં દિવસના ૧૮-૧૮ કલાક કામ કર્યું હતું. હું માત્ર પાંચ કલાક ઊંઘતો હતો. હું જે ધનદૌલત આજે કમાયો છું એની પાછળ મારો સખત પરિશ્રમ સમાયેલો છે.’