અમે રાજેશ ખન્નાના સ્ટારડમના દસ ટકા પણ નથી મેળવ્યું : સલમાન

06 June, 2017 05:01 AM IST  | 

અમે રાજેશ ખન્નાના સ્ટારડમના દસ ટકા પણ નથી મેળવ્યું : સલમાન

બૉલીવુડમાં સલમાન, આમિર ખાન અને શાહરુખ ખાન છેલ્લાં વીસ વર્ષથી ટોચ પર છે અને હજી પણ બૉલીવુડમાં તેમની પકડ ખૂબ જ મજબૂત છે. સ્ટારડમ વિશે પૂછવામાં આવતાં સલમાને કહ્યું હતું કે ‘ઍક્ટર તરીકે વાત કરું તો મને નથી લાગતું કે દિલીપકુમાર જેવા કોઈ ઍક્ટર હોય. ત્યાર બાદ અમિતાભ બચ્ચન આવે છે. તેઓ ખૂબ જ અદ્ભુત ઍક્ટર છે અને આજે પણ તેઓ કામ કરી રહ્યા છે. તમે જ્યાં જુઓ ત્યાં તમને તેઓ જ જોવા મળશે. સ્ટાર તરીકે તમને લાગતું હોય કે અમે પૉપ્યુલર છીએ તો તમે ભૂલો છો. મને લાગે છે કે રાજેશ ખન્ના જેટલો મોટો સ્ટાર કોઈ નથી. ત્યાર બાદ કુમાર ગૌરવ આવે છે. મેં તેમના બન્નેના સ્ટારડમને જોયા છે. તમને માનવામાં નહીં આવે એવું તેમનું સ્ટારડમ હતું. તેથી જ્યારે સ્ટારડમની સરખામણી કરવામાં આવી રહી છે ત્યારે હું કહીશ કે અમે રાજેશખન્ના સ્ટારડમના દસ ટકા પણ નથી મેળવ્યું.’

સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન ફરી કામ કરશે


સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ફરી સાથે કામ કરશે. સલમાન હાલમાં ‘ટાઇગર ઝિંદા હૈ’માં કામ કરી રહ્યો છે. ત્યાર બાદ તે રેમો ડિસોઝાની ફિલ્મમાં કામ કરશે. ત્યાર બાદ તે ‘દબંગ ૩’ અને તેની બહેન અલ્વિરા અગ્નિહોત્રીની ફિલ્મમાં કામ કરશે. ૨૦૦૨માં ‘દેવદાસ’માં શાહરુખને પસંદ કરવામાં આવ્યો હોવાથી તેમની વચ્ચે મતભેદ થયો હતો. ત્યાર બાદ તેની જગ્યાએ ‘ગુઝારિશ’માં હૃતિક રોશન અને ‘બાજીરાવ મસ્તાની’માં રણવીર સિંહને પસંદ કરવામાં આવ્યો હોવાની વાતો પણ ચાલી હતી. તેથી તેમની વચ્ચે મતભેદ થયો હતો. જોકે સંજય લીલા ભણસાલીએ ગયા વર્ષે તેના ઘરે જઈને તેમની વચ્ચેની તમામ ગેરસમજને દૂર કરી હતી. ત્યાર બાદ તેમની ફરી મિત્રતા જોવા મળી હતી. સલમાને છેલ્લે ૨૦૦૭માં આવેલી ‘સાંવરિયા’માં નાનકડી ભૂમિકા ભજવી હતી. જયપુરમાં ‘પદ્માવતી’ના સેટ પર સંજય લીલા ભણસાલી પર થયેલા હુમલા બાદ સલમાને તેમને સૌથી પહેલો ફોન કર્યો હતો. તેમની વચ્ચે હાલમાં ઘણી મીટિંગ થઈ હોવાથી એવી વાતો ચાલી રહી છે કે તેઓ ફરી સાથે કામ કરશે. આ વિશે પૂછતાં સલમાન કહે છે, ‘અમે સ્ક્રિપ્ટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. જો મેં એ સ્ક્રિપ્ટ પસંદ કરી તો એ ફિલ્મને મેં હાલમાં પસંદ કરેલી તમામ ફિલ્મ બાદ જ બનાવવામાં આવશે. ‘પદ્માવતી’ પૂરી થયા બાદ સંજય મને ફિલ્મની સ્ક્રિપ્ટનું નરેશન કરશે. આ કોઈ પિરિયડ ફિલ્મ નથી, એ આજના જમાનાની જ ફિલ્મ છે.’