26 July, 2025 06:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોસ્ટર
યશરાજ ફિલ્મ્સની ‘વૉર 2’ ફિલ્મે રિલીઝ પહેલાં જ એક નવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની આગામી ફિલ્મ ‘વૉર 2’ ડોલ્બી સિનેમામાં પ્રદર્શિત થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ થનારી ઍક્શન ફિલ્મ ૧૪ ઑગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. સોશ્યલ મીડિયામાં આ ફિલ્મનું પોસ્ટર શૅર કરતાં નિર્માતાઓએ કૅપ્શનમાં લખ્યું છે, ‘સિનેમાઈ પ્રતીક, એક મહાયુદ્ધ. અમે સૌથી મોટા ઑન-સ્ક્રીન મુકાબલા માટે તૈયાર છીએ, શું તમે તૈયાર છો? આ પહેલાં કરતાં વધુ મોટું, બોલ્ડ અને શાનદાર છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ‘વૉર 2’ હવે ડોલ્બી સિનેમામાં જીવંત થશે. ’
આદિત્ય ચોપડા દ્વારા નિર્મિત આ ઍક્શન ફિલ્મ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની છઠ્ઠી સિરીઝ છે. આ ફ્રૅન્ચાઇઝીમાં હૃતિક રોશન અને એનટીઆર જુનિયર પ્રથમ વખત પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મને હિન્દી અને તેલુગુમાં નૉર્થ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, કુવૈત અને વિશ્વભરનાં અન્ય ઘણાં બજારોમાં ડોલ્બી સિનેમામાં રિલીઝ કરવાની યોજના છે.