06 June, 2026 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ બાજપેયી
મનોજ બાજપેયીએ હાલમાં ખુલાસો કર્યો છે કે તે લગભગ છેલ્લાં ૧૦ વર્ષથી વારંવાર અભિનય છોડવાનો વિચાર કરે છે. પોતાને આવતા આ વિચાર પાછળનું કારણ જણાવતાં મનોજે કહ્યું કે વર્ષો સુધી ઇન્ટેન્સ અને ડાર્ક પાત્રો ભજવવાના કારણે તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે. આ સાથે જ મનોજે સ્વીકાર્યું કે અભિનય પ્રત્યેની સમર્પિતતાના કારણે તે પોતાનાં માતા-પિતા સાથેના અમૂલ્ય સમયથી વંચિત રહી ગયો હતો અને એ બાબતનો તેને આજે પણ અફસોસ છે.
અભિનયમાંથી બ્રેક લેવાના પોતાના પ્લાનિંગ વિશે વાત કરતાં મનોજે કહ્યું હતું કે ‘ઉંમર વધતાં હવે જીવનની મર્યાદા અને મૃત્યુની વાસ્તવિકતા વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. આ કારણે હવે લાગે છે કે જીવનમાં કેટલીક એવી બાબતો છે જે સફળતા કરતાં પણ વધુ મૂલ્યવાન હોય છે. હું અનેક વખત અભિનયથી લાંબો બ્રેક લેવાનો વિચાર કરી ચૂક્યો છું પણ લઈ નથી શકતો કારણ કે ઍક્ટિંગ મારા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. મને જીવન અને કારકિર્દીના અનુભવોએ વધુ પરિપક્વ બનાવ્યો છે અને હવે હું અંગત જીવન અને પરિવારને વધુ મહત્ત્વ આપવા ઇચ્છું છું.’