ઍક્ટિંગ બાદ પ્રોડક્શનમાં પણ વિવેકનું નસીબ ઝળક્યું

20 October, 2011 04:30 PM IST  | 

ઍક્ટિંગ બાદ પ્રોડક્શનમાં પણ વિવેકનું નસીબ ઝળક્યું

 

પ્રોડ્યુસર તરીકેની પહેલી શૉર્ટ-ફિલ્મ ‘વૉચ ઇન્ડિયન સર્કસ’નું સાઉથ કોરિયાના પ્રતિષ્ઠિત બુસાન ફિલ્મ-ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

બહુ ઓછા લોકોને જાણ હશે કે વિવેકે પોતાના પ્રોડક્શન હેઠળ પણ ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું છે. તેણે શરૂઆત એક સંવેદનશીલ વિષય પરની શૉર્ટ-ફિલ્મથી કરવાનું નક્કી કર્યું હતું. આ શૉર્ટ-ફિલ્મ એટલી પસંદ કરવામાં આવી હતી કે કોરિયાના પ્રતિષ્ઠિત બુસાન ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલમાં એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને ત્યાં પણ ફિલ્મ ઘણી પસંદ કરવામાં આવી છે.

‘વૉચ ઇન્ડિયન સર્કસ’ નામની આ શૉર્ટ-ફિલ્મ મંગેશ હાડવળેના દિગ્દર્શન હેઠળ બનાવવામાં આવી છે. પ્રોડ્યુસર તરીકેના આ શુભારંભથી વિવેક ઘણો ઉત્સાહિત છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં તે કહે છે, ‘આ શૉર્ટ-ફિલ્મ એક સાચી ઇન્ડિયન ફિલ્મ છે. એમાં અમે બતાવવાની કોશિશ કરી છે કે રોજબરોજના જીવનમાં સામાન્ય માણસ કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે અને એમ છતાં તેની મહત્વાકાંક્ષા કે જીવન પ્રત્યેના અભિગમમાં કોઈ ફેરફાર નથી આવતો. જ્યારે ફિલ્મની મારી પાસે ઑફર આવી ત્યારે મને થયું હતું કે હું એવું કંઈક કરું જે એક સાચા ભારતીય તરીકે મને સાર્થક કરે.’

વિવેક માને છે કે આ પ્રકારની ફિલ્મોને બૉલીવુડમાં પણ એ પ્રકારનું જ સ્થાન મળવું જોઈએ જે એક એન્ટરટેઇનર ફિલ્મને મળે છે. તે કહે છે, ‘બૉક્સ-ઑફિસ ઇકૉનૉમિક્સ એ સાબિત કરે છે કે બૉલીવુડમાં એના પ્રેક્ષકો માટે મનોરંજન અને મોટાં બૅનરોની ફિલ્મો ઘણું ઊંચું સ્થાન ધરાવે છે. જોકે હું માનું છું કે મોટાં બૅનરોએ આ પ્રકારની ફિલ્મોથી પોતાનો છેડો ન ફાડવો જોઈએ.’

‘વૉચ ઇન્ડિયન સર્કસ’ની સ્ટોરી


આ શૉર્ટ-ફિલ્મ એક કપલની સ્ટોરી છે, પણ મુખ્ય મુદ્દો કઈ રીતે ભારતમાં ભ્રષ્ટાચાર અને નાના શહેરના સામાન્ય માણસના જીવન પર એની અસર થાય છે એ રાખવામાં આવ્યો છે. આ ફિલ્મ ભ્રષ્ટાચારને સમાંતર આ કપલની સ્ટોરી ધરાવે છે, જે ઇચ્છે છે કે તેઓ ક્યારેક તેમનાં બાળકોને આ પૉલિટિક્સ સિવાયનું રિયલ સર્કસ જોવા લઈ જઈ શકશે.