07 October, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં વિશાલ જેઠવાની મમ્મી પ્રીતિ જેઠવાનો જન્મદિવસ હતો. આ દિવસે વિશાલે મમ્મી સાથેનું તેનું બૉન્ડિંગ દર્શાવતી ક્યુટ તસવીરની સાથે એક ઇમોશનલ સંદેશ પોસ્ટ કરીને માતાને બર્થ-ડે વિશ કર્યો હતો. વિશાલે આ તસવીર સાથે કૅપ્શન લખી હતી, ‘મમ્મી રોટલી બનાવતી હોય ને હું ખાતો હોઉં... મજાની લાઇફ... દરેક જન્મમાં તારા હાથનું જ ખાવું છે, પછી એ માર હોય કે રોટલી. જન્મદિવસની બૌ-બૌ શુભેચ્છા મારી મમ્મી...’
વિશાલનું તેની મમ્મી સાથે છે ખાસ બૉન્ડિંગ
‘હોમબાઉન્ડ’ અને ‘મર્દાની 2’ જેવી ફિલ્મોમાં જોવા મળેલો વિશાલ જેઠવા મમ્મી પ્રીતિ જેઠવા સાથે ખાસ બૉન્ડિંગ ધરાવે છે અને તે પોતાની મમ્મીને જીવનની મોટી પ્રેરણા ગણાવે છે. એક ઇન્ટરવ્યુમાં વિશાલે જણાવ્યું હતું કે ‘તેના પપ્પા નરેશ જેઠવાનું હાર્ટ-અટૅકથી અવસાન થયું એ પછી તેના પરિવારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સંજોગોમાં વિશાલની મમ્મીએ ઘરોમાં સફાઈનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું અને એક તબક્કે તે ખર્ચને પહોંચી વળવા સુપરમાર્કેટમાં સૅનિટરી પૅડ્સ પણ વેચતી હતી.