હું પણ ટૂંક સમયમાં માત્ર ૮ કલાક કામ કરીશ, અને એના માટે મારી ફી ઘટાડીશ

06 July, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિક્રાન્તે પોતાનું આયોજન જણાવીને દીપિકાની ઓછા કલાકની શિફ્ટની માગણીનું સમર્થન કર્યું

વિક્રાન્ત મેસી

દીપિકા પાદુકોણની ૮ કલાક કામ કરવાની માગણી બાદ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. દીપિકાએ આ જ શરતને કારણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ છોડી દીધી હતી. ત્યાર બાદ ​ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ દીપિકાનું સમર્થન કર્યું હતું. હવે આ યાદીમાં એક નવું નામ જોડાયું છે. અભિનેતા વિક્રાન્ત મેસીએ પણ દીપિકાની ૮ કલાક કામ કરવાની માગણીનું સમર્થન કર્યું છે.
વિક્રાન્તે એક ઇન્ટરવ્યુમાં દીપિકાનું સમર્થન કરતાં કહ્યું હતું કે તે પણ થોડાં વર્ષોમાં આવું જ કરવા ઇચ્છે છે. વિક્રાન્તે કહ્યું હતું કે ‘હું ખૂબ જલદી આવું કંઈક કરવાની ઇચ્છા રાખું છું. હું કહેવા ઇચ્છું છું કે આપણે સાથે કામ કરી શકીએ, પરંતુ હું ફક્ત ૮ કલાક જ કામ કરીશ. સાથે જ આ એક વિકલ્પ પણ આપીશ, કારણ કે જ્યારે તમે ફિલ્મ બનાવો છો ત્યારે એમાં ઘણી બીજી બાબતો પણ સામેલ હોય છે. હું ૮ કલાક કામ કરવા માટે મારી ફી ઘટાડવા તૈયાર છું. પૈસા ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને મારે મારી ફી ઘટાડવી પડશે, કારણ કે હું ૧૨ કલાકની જગ્યાએ ૮ કલાક કામ કરીશ. જો હું મારા નિર્માતાને દિવસમાં ૧૨ કલાક ન આપી શકું તો મારે મારી ફી ઘટાડવી જોઈએ. આ એક લેવડ-દેવડની વાત છે. જ્યાં સુધી દીપિકાની વાત છે તો દીપિકા તાજેતરમાં માતા બની છે તેથી મને લાગે છે કે તે આની હકદાર છે.’

vikrant massey deepika padukone bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news