18 April, 2025 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
ફિલ્મમેકર વિક્રમ ભટ્ટે તેમની ૨૦૧૧માં રિલીઝ થયેલી હૉરર ફિલ્મ ‘હૉન્ટેડ 3ડી’ની સીક્વલની જાહેરાત કરી છે. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે એને ઠીકઠાક સફળતા મળી હતી અને હવે ૧૪ વર્ષ પછી એની સીક્વલની જાહેરાત કરવામાં આવી છે. આ સીક્વલનું નામ ‘હૉન્ટેડ 3ડી : ઘોસ્ટ્સ ઑફ ધ પાસ્ટ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મના મોશન પોસ્ટર સાથે જાહેરાત કરવામાં આવી છે કે એ ફિલ્મ ૨૬ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં લીડ રોલમાં મિથુન ચક્રવર્તીનો દીકરો મિમોહ ચક્રવર્તી અને ચેતના પાંડે જોવા મળશે.
ફિલ્મમેકર મહેશ ભટ્ટ અને આનંદ પંડિત મળીને ‘હૉન્ટેડ 3ડી : ઘોસ્ટ્સ ઑફ ધ પાસ્ટ’ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મના અન્ય પ્રોડ્યુસર રાકેશ જુનેજા અને શ્વેતામ્બરી ભટ્ટ છે. ‘હૉન્ટેડ 3ડી : ઘોસ્ટ્સ ઑફ ધ પાસ્ટ’ની પ્રીક્વલ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી અને એમાં મિમોહ ચક્રવર્તી અને પિયા બાજપેયીએ લીડ રોલ કર્યો હતો. જોકે સીક્વલમાં પિયાને બદલે ચેતના પાંડેને સાઇન કરવામાં આવી છે.
વિક્રમ ભટ્ટ આ પહેલાં ‘રાઝ’, ‘1920’, ‘શાપિત’, ‘રાઝ રિબૂટ’ અને ‘1921’ જેવી અનેક હૉરર ફિલ્મો બનાવી ચૂક્યા છે.