18 October, 2024 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય વર્મા
છેલ્લે નેટફ્લિક્સની સિરીઝ ‘IC 814 : કંદહાર હાઇજૅક’માં પોતાના પર્ફોર્મન્સથી દર્શકોનું ધ્યાન ખેંચનારા ‘ગલી બૉય’ ફેમ વિજય વર્માની નજર હવે હૉલીવુડ તરફ છે. એક મૅગેઝિન સાથેની વાતચીતમાં વિજય વર્માએ કહ્યું હતું કે ‘હૉલીવુડમાં જમ્પ મારવાનો આ સૌથી સારો સમય છે. હવે સિનેમામાં કલર-બ્લાઇન્ડ કાસ્ટિંગ થવા લાગ્યું છે. એના કારણે તકો ઘણી વધી ગઈ છે. ઇન્ટરનૅશનલ મેકર્સ પણ બૉલીવુડના કલાકારોને તક આપી રહ્યા છે. મારી અમુક મેકર્સ સાથે વાતચીત ચાલી રહી છે. મને આશા છે કે આવતા વર્ષની શરૂઆતમાં કંઈક સેટ થશે. અત્યારે તો જોકે હું જૂના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છું.’
કલર-બ્લાઇન્ડ કાસ્ટિંગ એટલે કોઈ પ્રોજેક્ટમાં લિંગ કે જાતિના ભેદભાવ વિના કલાકારનો સમાવેશ કરવો. ઈશાન ખટ્ટર અને અલી ફઝલ જેવા બૉલીવુડના કલાકારો હૉલીવુડમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે. વિજય વર્મા અત્યારે ‘મટકા કિંગ’ નામની સિરીઝનું શૂટિંગ કરી રહ્યો છે.