વિદ્યા બાલને ઝડપ્યું ટોઈલેટ માટે અનોખું બીડું

02 October, 2012 05:33 AM IST  | 

વિદ્યા બાલને ઝડપ્યું ટોઈલેટ માટે અનોખું બીડું



મહિલાકેન્દ્રી ફિલ્મોમાં કામ કરીને સ્ટાર સ્ટેટસ મેળવનારી વિદ્યા બાલને હવે દેશની મહિલાઓના સ્વાસ્થ્યની જાળવણી માટે તેમને ઘરમાં સ્વચ્છ ટૉઇલેટ જેવી પાયાની સુવિધા મળી રહે એ દિશામાં નક્કર પ્રયાસો હાથ ધર્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે તે આ માટે જાગૃતિ ફેલાવવાના કૅમ્પેનનો હિસ્સો બની છે. ડ્રિન્કિંગ વૉટર ઍન્ડ સેનિટેશન ડિપાર્ટમેન્ટના પ્રધાન જયરામ રમેશે આ કૅમ્પેનમાં જોડાવા થોડા મહિના પહેલાં વિદ્યાનો સંપર્ક કર્યો હતો.

આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરતાં વિદ્યા કહે છે, ‘આપણે હંમેશાં સ્વચ્છતા અને સેનિટેશન જેવા મુદ્દાઓ તરફ દુર્લક્ષ સેવીએ છીએ. દેશના અંતરિયાળ વિસ્તારોમાં તો હાલત બહુ જ ખરાબ છે અને અહીં સુધી આ મુદ્દે જાગૃતિ ફેલાવવાનું કામ બહુ મુશ્કેલ છે. મેં આ કૅમ્પેન અંતર્ગત ડિરેક્ટર વિભુ પુરીના ડિરેક્શનમાં ત્રણ જાહેરાતોનું શૂટિંગ કર્યું છે જે ત્રીજી ઑક્ટોબરે રિલીઝ થશે.

મને આશા છે કે આના માધ્યમથી દેશના દરેક વિસ્તાર સુધી સંદેશ પહોંચાડી શકાશે.’

મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મહારાષ્ટ્રનો પ્રવાસ કરીને આ કૅમ્પેનનો ૧૯ ઑક્ટોબરે બિહારમાં અંત આવશે અને એ દિવસે વિદ્યા ત્યાં હાજરી આપશે.