23 July, 2021 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારુક કબીર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શેડ્યુલ મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે
વિદ્યુત જામવાલે ‘ખુદા હાફિઝ ચૅપ્ટર 2 : અગ્નિપરીક્ષા’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ શૂટિંગ શેડ્યુલ નાની મુરત પૂજા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ફારુક કબીર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શેડ્યુલ મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે અને બીજું શેડ્યુલ લખનઉમાં કરવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી પહેલાં જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી જ શરૂ કરવામાં આવશે. આ વિશે વિદ્યુતે કહ્યું હતું કે ‘સીક્વલ હંમેશાં સ્પેશ્યલ હોય છે, કારણ કે પહેલી ફિલ્મ સફળ રહી હોવાથી એ બનાવવામાં આવી રહી હોય છે. આ સ્ટોરી મારી સાથે ખૂબ જ કનેક્ટ થાય છે, કારણ કે મને હંમેશાંથી સવાલ થતો હતો કે હૅપી એન્ડિંગ બાદ શું થતું હશે. ‘ખુદા હાફિઝ ચૅપ્ટર 2 : અગ્નિપરીક્ષા’માં એક કપલની મુસાફરીને દેખાડવામાં આવી છે જેમની લાઇફમાં આવેલા તોફાન બાદ તેમણે સોસાયટીમાં કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.’
ડિરેક્ટર ફારુક કબીરે કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘ખુદા હાફિઝ ચૅપ્ટર 2 : અગ્નિપરીક્ષા’ની સ્ટોરી વિચારી હતી ત્યારે મને ખબર હતી કે મારે લખતી વખતે એને ખૂબ હિમ્મત રાખીને લખવી પડશે. આશા રાખું છું કે પાત્રો સાથે લોકો પણ કનેક્ટ થઈ શકશે. આશા રાખું છું અમે આ ફિલ્મને દર્શકો સુધી ખૂબ જ ઇમોશન્સની સાથે રજૂ કરીએ. મારા પ્રોડ્યુસર, વિદ્યુત, શિવાલિકા અમે બધાં બીજું ચૅપ્ટર લઈને આવી રહ્યાં છીએ અને એ પણ પહેલા ચૅપ્ટરને એક વર્ષ થાય એ પહેલાં. અમે આ ફિલ્મને વધુ સારી બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે.’