અભિનેતા સદાશિવ અમરાપુરકરનું સારવાર દરમિયાન મોત

03 November, 2014 03:34 AM IST  | 

અભિનેતા સદાશિવ અમરાપુરકરનું સારવાર દરમિયાન મોત



૧૯૯૧માં રિલીઝ થયેલી મહેશ ભટ્ટની રોમૅન્ટિક થ્રિલર ફિલ્મ ‘સડક’માં મહારાણીની ભૂમિકા ભજવીને બૉલીવુડમાં વિલન તરીકે જબરદસ્ત પર્ફોર્મન્સ આપનારા અને લોકોના દિલોદિમાગ પર છવાઈ ગયેલા ૬૪ વર્ષના ઍક્ટર સદાશિવ અમરાપુરકરનું ગઈ કાલે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ફેફસાંમાં ઇન્ફેક્શનને લીધે અવસાન થયું હતું. તેમની પુત્રી રિમા અમરાપુરકરે કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં પપ્પાને ફેફસાંમાં તકલીફ હોવાથી હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હાલત ગંભીર હોવાને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગઈ કાલે વહેલી સવારે પોણાત્રણ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.’

તેમના પાર્થિવ દેહને ગઈ કાલે વિલે પાર્લે (વેસ્ટ)ના ભાઈદાસ હૉલમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો અને આજે તેમના વતન અહમદનગરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ફિલ્મના પડદે અનેક પ્રકારના વિલનનાં પાત્રો ભજવ્યાં હોવા છતાં તેઓ જેન્ટલમૅન હતા અને અનેક પ્રકારની સામાજિક સેવાઓ કરતા હતા તથા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.

ગણેશકુમાર નરવોડે જેવું સાચું નામ ધરાવતા આ ઍક્ટર નાશિકમાં રિક્ષા-ડ્રાઇવરના ઘરે જન્મ્યા હતા. ૧૯૭૪માં સદાશિવ નામ ધારણ કરીને મરાઠી સ્ટેજ પર પોતાના કરીઅરની શરૂઆત કરી હતી. તેઓ મરાઠી નાટક ‘હૅન્ડ્સ-અપ’માં કામ કરી રહ્યા હતા ત્યારે ફિલ્મ-ડિરેક્ટર ગોવિંદ નિહલાણીએ જોયા હતા અને તેમને હિન્દી ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. ૧૯૮૩માં ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધસત્ય’માં રમા શેટ્ટીના પાત્રથી તેમણે મોટા પડદે ડેબ્યુ કર્યું હતું અને એ માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો અવૉર્ડ પણ મળ્યો હતો.

૧૯૮૭માં તેમણે ધર્મેન્દ્ર સાથે ‘હુકૂમત’ ફિલ્મમાં વિલનનો રોલ ભજવ્યો હતો જે ઘણો વખણાયો હતો. એ પછી ધર્મેન્દ્ર સાથે તેમણે ઘણી ફિલ્મો કરી હતી. તેઓ સદાશિવ અમરાપુરકરને લકી મૅસ્કોટ માનતા હતા.

 ૧૯૯૧માં આવેલી મહેશ ભટ્ટની ‘સડક’ માટે ફિલ્મફેરનો બેસ્ટ વિલનનો અવૉર્ડ પણ તેમને એનાયત કરવામાં આવ્યો હતો. સદાશિવ છેલ્લે ૨૦૧૩માં આવેલી ‘બૉમ્બે ટૉકીઝ’માં જોવા મળ્યા હતા.

તેમણે ૫૦થી વધુ મરાઠી નાટકો-ફિલ્મો અને આશરે ૩૦૦ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મોમાં ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘મોહરા’, ‘આંખેં’, ‘હમ સાથ-સાથ હૈં’, ‘ઇશ્ક’, ‘કૂલી નંબર વન’, ‘ગુપ્ત’, ‘આન્ટી નંબર વન’, ‘જયહિન્દ’, ‘માસ્ટર’ વગેરેનો સમાવેશ છે. તેમણે બંગાળી, ઓરિયા અને હરિયાણવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

તેમના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરે ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો.