પીઢ બંગાળી અભિનેતા સૌમિત્રા ચેટર્જી કોરોના સંક્રમિત

06 October, 2020 05:01 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

પીઢ બંગાળી અભિનેતા સૌમિત્રા ચેટર્જી કોરોના સંક્રમિત

સૌમિત્રા ચેટર્જી (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આઇકોનિક સ્ટાર અને પીઢ સૌમિત્રા ચેટર્જી (Soumitra Chatterjee) કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં આવી ગયા છે. 85 વર્ષીય અભિનેતાએ સોમવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મંગળવારે ટેસ્ટનું પરિણામ આવ્યા બાદ તેમને કોલકાતાની ખાનગી હૉસ્પિટલમાં એડમિટ કરાયા છે. તેમને હળવા તાવ સિવાય અન્ય કોઈ લક્ષણ નથી અને તેમની તબિયત સ્થિર છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

સૌમિત્રા ચેટર્જી ફિલ્મમેકર સત્યજિત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા છે. સત્યજિત રે અને સૌમિત્રા ચેટર્જીએ સાથે 14 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 1959માં ડેબ્યુ પણ સત્યજિત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ સિવાય તેઓ ઓસ્કર વિજેતા સત્યજિત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા અભિનેતા હતા.

પીઢ અભિનેતા સૌમિત્રા ચેટર્જી બંગાળી સિનેમાજગતના અન્ય મહાન ફિલ્મમેકર્સ સાથે પણ કામ કરી ચૂક્યા છે. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા. સૌમિત્રા ચેટર્જી ત્રણ વખત તેમના પર્ફોર્મન્સ માટે નેશનલ અવોર્ડ જીતી ચૂક્યા છે. આ સિવાય તેમને 'પદ્મ ભૂષણ' અવોર્ડ પણ સરકાર તરફથી એનાયત કરવામાં આવ્યો છે. તેમને 'સંગીત નાટક એકેડમી ટાગોર રત્ન' ઉપરાંત 2012માં 'દાદાસાહેબ ફાળકે અવોર્ડ'થી પણ નવાજવામાં આવ્યા હતા.

coronavirus covid19 entertainment news bollywood bollywood news west bengal kolkata