07 May, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનની ફિલ્મો સતત નિષ્ફળ જઈ રહી છે. તેની ફિલ્મ ‘સિકંદર’ ૩૦ માર્ચે રિલીઝ થઈ હતી અને એ ફ્લૉપ સાબિત થઈ હતી. આને કારણે સોશ્યલ મીડિયામાં સતત એવી ચર્ચા ચાલી રહી છે કે સલમાન ખાનની કરીઅર પર હવે પૂર્ણવિરામ મુકાઈ જશે. આ સંજોગોમાં સલમાન સાથે ‘અંદાઝ અપના અપના’ અને ‘ભારત’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઍક્ટર શહઝાદ ખાને આ સ્થિતિ વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે.
શહઝાદ ખાન ખલનાયક અજિતનો પુત્ર છે અને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે સલમાનની સતત ફ્લૉપ જઈ રહેલી ફિલ્મો વિશે વાત કરી છે. તેણે કહ્યું કે ‘સલમાનની ફિલ્મો નિષ્ફળ જાય છે, કારણ કે તે એવા મિત્રોને સ્ક્રિપ્ટિંગ માટે પોતાની સાથે બેસાડે છે જેઓ બેકાર છે. તે એવા લોકોને સાથે બેસાડે છે જેમની પાસે કોઈ કામ નથી. હું નામ નહીં આપું પણ એક એવો ઍક્ટર છે જેને તેણે ‘સિકંદર’ દ્વારા બ્રેક આપ્યો હતો. તે વ્યક્તિએ કહ્યું હતું કે ભાઈ મારી પાસે કોઈ કામ નથી તો તરત સલમાને તેને ‘સિકંદર’ માટે સાઇન કરી લીધો હતો. સલમાન કોઈ પણ કારણ વગર લોકોને મદદ કરે છે. સલમાનની ફિલ્મો ભલે ફ્લૉપ જાય, પણ સલમાન ક્યારેય ખતમ નહીં થાય. સલમાનની કરીઅર ખતમ થઈ ગઈ છે એ વાત સંપૂર્ણપણે બકવાસ છે. તેની વિરુદ્ધ બોલીને લોકો યુટ્યુબ પર પોતાની દુકાન ચલાવી રહ્યા છે. આપણે એ વાતને ગંભીરતાથી ન લેવી જોઈએ.’