30 May, 2024 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદિત નારાયણ
ઉદિત નારાયણે ‘દેખા તૈનુ’ના રીમેક વર્ઝન માટે અવાજ આપવાની ના પાડી હતી અને હવે એ માટે અફસોસ કરી રહ્યા છે. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘મિસ્ટર & મિસિસ માહી’માં રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરે કામ કર્યું છે. આ ફિલ્મમાં ‘દેખા તૈનુ’ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પહેલાં ઉદિત નારાયણને ઑફર કરવામાં આવ્યું હતું. કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’ના ગીત ‘શાવા શાવા’માં જે લાઇન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એના પરથી હવે ગીત બનાવવામાં આવ્યું છે. આ વિશે ઉદિત નારાયણ કહે છે, ‘આ મારી ભૂલ છે. તેમણે મને આ ગીત ગાવા માટે ઑફર કરી હતી અને સાચું છે. તેમણે મારો સંપર્ક કર્યો હતો અને ચાર વર્ષ સુધી એ માટે રાહ પણ જોઈ હતી. મને કહેવામાં આવ્યું હતું કે રાજકુમાર રાવની ફિલ્મ માટે ગીત ગાવાનું છે. મને જે વ્યક્તિએ ફોન કર્યો હતો તેની ભૂલ હતી, કારણ કે તેણે મને એમ નહોતું કહ્યું કે એ ગીતને મારે રીક્રીએટ કરવાનું છે. તેમણે મને એમ પણ નહોતું કહ્યું કે આ કરણ જોહરની ફિલ્મ છે. મને લાગ્યું કે કોઈ નવોદિત વ્યક્તિ આ ગીત બનાવી રહી છે એથી મેં એના પર વધુ ધ્યાન ન આપ્યું. આ મારી ભૂલ છે. કન્ફ્યુઝન હતું, પરંતુ મને એટલી ખબર છે કે તેમણે મારા માટે રાહ પણ જોઈ હતી.’