તુષારે ચાર દિન કી ચાંદનીના ફિલ્મમેકર સામે કર્યો કેસ

27 August, 2012 05:29 AM IST  | 

તુષારે ચાર દિન કી ચાંદનીના ફિલ્મમેકર સામે કર્યો કેસ

તુષાર કપૂર ફિલ્મમેકર સમીર કર્ણિકથી બહુ અપસેટ છે. તુષારે તેની ‘ચાર દિન કી ચાંદની’માં કામ કર્યું હતું અને એ સમયે ૧.૭૫ કરોડ રૂપિયા ફિલ્મ પ્રમોટ કરવા માટે લોન તરીકે આપ્યા હતા. આ પહેલાં પણ તુષારે આ રકમ પાછી ન આપવા માટે સમીર પર કેસ કર્યો હતો અને હવે સમીરે તેને તેની ફીનો અમુક હિસ્સો આપવા માટે જે ચેક આપ્યો હતો એ પણ બાઉન્સ થતાં તુષારે ફરી સમીર સામે કેસ કર્યો છે.

આ મુદ્દે વાત કરતાં તુષાર કપૂરનો લીગલ ઍડ્વાઇઝર ઝમીર નાથાણી કહે છે, ‘સમીરે ફી તરીકે તુષારને ૪૦ લાખ રૂપિયામાંથી ટીડીએસ કપાયા બાદ ૩૬ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ૩૦ જુલાઈનો આ ચેક ખાતામાં પૂરતી રકમ ન હોવાને કારણે બાઉન્સ થયો હતો. આ રકમ તુષારની ફીની રકમની અંશત: ચુકવણીના ભાગરૂપે આપવામાં આવી હતી. હવે અમે પોલીસ-ફરિયાદ કરીને છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ મૂકીને કાયદાકીય કેસ ફાઇલ કરવાના છીએ. અમે સિને આર્ટિસ્ટ અસોસિએશનમાં પણ આની ફરિયાદ નોંધાવી છે.’

આ મુદ્દે સમીર કર્ણિકે કંઈ પણ કૉમેન્ટ ન કરવાનું પસંદ કર્યું હતું.

ટીડીએસ = ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ