ટ્રમ્પની ટૅરિફ-વૉરથી બૉલીવુડને આંચકો

07 May, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેખર કપૂર અને વિવેક અગ્નિહોત્રીએ વિદેશમાં બનેલી ફિલ્મો પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાના નિર્ણયને ગણાવ્યો વિનાશકારી

શેખર કપૂર, વિવેક અગ્નિહોત્રી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાની બહાર બનનારી તમામ ફિલ્મો પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. તેમની આ જાહેરાત પછી બૉલીવુડ અને હૉલીવુડમાં ભૂકંપ આવી ગયો છે. હવે આ મામલે બૉલીવુડના પ્રોડ્યુસર શેખર કપૂર તેમ જ વિવેક અગ્નિહોત્રીએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. શેખર કપૂરે આ નિર્ણયના મામલે વિરોધ વ્યક્ત કર્યો છે અને ચેતવણી આપતાં કહ્યું છે કે આ નિર્ણય હૉલીવુડ માટે પણ નુકસાનકારક છે.

શેખર કપૂરે સોશ્યલ મીડિયામાં જણાવ્યું છે કે ‘હૉલીવુડની ફિલ્મોના બૉક્સ-ઑફિસનો ૭૫ ટકાથી વધુ હિસ્સો અમેરિકાની બહારથી આવે છે. આ ફિલ્મોના બજેટનો મોટો હિસ્સો અમેરિકાની બહાર ખર્ચ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અમેરિકાની બહારની ફિલ્મો પર ૧૦૦ ટકા ટૅરિફ લગાવવાથી હૉલીવુડને અમેરિકાથી બહાર જવા માટે પ્રોત્સાહન મળી શકે છે. જે તેમનો ઇરાદો છે એનાથી બિલકુલ ઊંધું થઈ શકે છે.’

આ મામલે વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે ‘ટ્રમ્પની નવી નીતિ ભારતીય સિનેમા માટે ખતરો છે. ફિલ્મો પર ૧૦૦ ટકા ટૅરિફ એક વિનાશકારી પગલું છે. જો એ ચાલુ રહ્યું તો ભારતનો ફિલ્મઉદ્યોગ સાવ પડી ભાંગશે અને એને બચાવનાર કોઈ નહીં હોય.’

શું કહ્યું ટ્રમ્પે?  

ટ્રમ્પની દલીલ છે કે અમેરિકામાં ફિલ્મઉદ્યોગનો બહુ ઝડપથી અંત આવી રહ્યો છે, કારણ કે બીજા દેશના ફિલ્મ-નિર્માતાઓ સ્ટુડિયોને આકર્ષિત કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે એટલે આ પગલું ભરવું જરૂરી છે. આ વસ્તુને સરળ શબ્દોમાં સમજીએ તો મોટા ભાગની ફિલ્મો અમેરિકામાં શૂટ નથી થતી એને કારણે એ ફિલ્મને અમેરિકામાં રિલીઝ કરવા માટે ૧૦૦ ટકા ટૅરિફ આપવી પડશે. આનો મતલબ એ છે કે જો કોઈ ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુટર ભારતીય ફિલ્મ ખરીદે છે અને ધારો કે પહેલાં તેણે એક મિલ્યન ડૉલર આપવા પડતા હતા તો હવે એ રકમ પર ૧૦૦ ટકા ટૅરિફ આપવી પડશે એટલે વિદેશી ફિલ્મને અમેરિકામાં દર્શાવવા માટે હવે બે મિલ્યન ડૉલર આપવા પડશે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news donald trump vivek agnihotri