વેન્ડેલ રોડ્રિક્સ શ્રધ્ધાંજલીઃ અદના ડિઝાઇનર, પ્રેમાળ મિત્ર, સ્પષ્ટવક્તા

13 February, 2020 11:29 AM IST  |  Mumbai Desk | Chirantana Bhatt

વેન્ડેલ રોડ્રિક્સ શ્રધ્ધાંજલીઃ અદના ડિઝાઇનર, પ્રેમાળ મિત્ર, સ્પષ્ટવક્તા

તસવીર સૌજન્ય વૈન્ડેલ રોડ્રિક્સ ઇન્સ્ટાગ્રામ

ઇન્સ્ટાગ્રામ પર ડિઝાઇન વેન્ડેલ રોડ્રિક્સની છેલ્લી પોસ્ટ ત્રણ દિવસ પહેલાંની છે. એ પોસ્ટમાં મોડા ગોઆ મ્યુઝિયમ બની રહ્યું છે તેના ફાઇનલ પ્લાસ્ટરિંગની તસવીરો છે. વેન્ડેલ રોડ્રિક્સ ભારતીય ફેશન વિશ્વનું એક એવું નામ હતું જેનો પર્યાય મળવો મુશ્કેલ છે. તેનું જીવન માત્ર ડિઝાઇન્સ અને ફેશનની આસપાસ નહીં પણ પર્યાવરણ અને સજાતીયોના અધિકારોની આસપાસ પણ વણાયેલું હતું.

 મૂળ ગોઆનાં વેન્ડેલની ડિઝાઇન્સ અને ક્ટ્સમાં ગોઆનાં દરિયાની લહેરોથી માંડીને નારિયેળીનાં પાનની આભા વર્તાતી. જે લૅક્મે ફેશન વીકની આસપાસ આજકાલ આટલી બધી હો-હા થાય છે એ ફેશન વીકની શરૂઆત કરનારા મુખ્ય નામોમાં વેન્ડેલનું નામ મોખરે હતું. ભારતમાં રિસોર્ટ્સ કલ્ચર આવ્યું અને વેન્ડલે રિસોર્ટવેર કેવા હોવા જોઇએ તેનો જવાબ ભારતને આપ્યો. એક સમયે હોટલ મેનેજમેન્ટમાં કાર્યરત વેન્ડેલને ફેશન ઉદ્યોગમાં તેની પૅશનનો જવાબ મળ્યો. વૅન્ડલની ડિઝાઇન્સમાં કશું ય ભરચક, ગૉડી કે વધુ પડતું હોતું જ નથી, ઓછામાં વધુ એ વેન્ડેલની સ્ટાઇલ છે. મૂળિયાંમાંથી ભવિષ્ય સર્જવું, પરંપરાને અને સાવ ધરતી સાથે જોડાયેલી ચીજોનો આધુનિકતામાં ભેળવવી એ વેન્ડેલની કુનેહ હતી. ગોઆનાં કુંબી ડ્રેપને ફેશનમાં ફરી લાવવાથી માંડીને પ્રાકૃતિક વિકલ્પોનો ઉપયોગ કરીને વસ્ત્રો બનાવવામાં તે કુશળ હતા. ભારતમાં સજાતીયોનાં અધિકાર વિષે ચર્ચાઓ છેડાઇ તે પહેલાંથી વેન્ડેલે આ વિષય સામેની બંધિયાર માનસિકતા સામે સંઘર્ષ ચાલુ કરી દીધો હતો. તેમણે તેમના પાર્ટનર જેરોમ મેરેલ સાથે લગ્ન કર્યા હતા અને પોતાના વ્હાલા પૅટ્સની સાથે તે ગોઆમાં રહી રહ્યા હતા.

વેન્ડેલને શબ્દો ચોરવાની આદત નહોતી, તે બહુ સ્પષ્ટ વક્તા હતા. મેં ક્યારેય માત્ર ફેશન રાઇિટંગ નથી કર્યું પણ સજાતીયોનાં અધિકારોનાં લેખ અંગે મેં જ્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઇપણ પ્રકારનાં અહંમ (જે ઘણાં એ લિસ્ટર્સ સેલિબ્રિટીઝમાં જોવા મળતો હોય છે) કે આડંબર વિના તેમણે ગુજરાતનાં કોઇ શહેરમાંથી કૉલ કરી રહેલી જર્નાલિસ્ટ સાથે વાત કરી હતી અને બહુ સાફ શબ્દોમાં જે કહેવાનું હતું તે કહ્યું હતું. બીજાઓને ક્મ્ફર્ટેબલ બનાવવા વેન્ડેલની ખાસિયત હતી. ગોઆનાં વારસાને જીવંત રાખવાનો તેમનો ઉત્સાહ તેમણે લખેલા પુસ્તકોમાં પ્રતિબિંબિત થયો છે.
વેન્ડેલની અચાનક થયેલી વિદાયને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેશન વિશ્વનાં તેનાં મિત્રો આઘાતમાં છે. આ આઘાત વિવિધ સેલિબ્રિટીઝે કરેલે ઇન્સ્ટા પોસ્ટ્સમાં પડઘાય છે.

અનુષ્કા શર્માએ ન્યુઝીલેન્ડથી ઇન્સ્ટા પોસ્ટ લખતાં કંઇક આવા અર્થની કૉમેન્ટ કરી હતીઃ "તે ભારતનાં સૌથી આઇકોનિક ડિઝાઇર હતા અને એલજીબીટી રાઇટ્સનાં ચેમ્પિયન હતા. તેમણે મને બેંગલોરમાં જોયા પછી તેમનાં એક ફેશન શોમાં શો સ્ટોપર તરીકે મોકો આપ્યો હતો. હું ત્યારે માત્ર અઢાર વર્ષની હતી અને તેમનું પ્રોત્સાહન મારે માટે બહુ કિંમતી હતું." 

મલાઇકા અરોરાએ પણ વેન્ડેલ સાથેનો પોતાનો ફોટોગ્રાફ શેર કર્યો હતો અને સમાચાર સાંભળીને પોતે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી તેવું કબુલ્યું હતું. 

 ફિલ્મ દિગ્દર્શક ઓનીરે પણ દુઃખ વ્યક્ત કરતાં ટ્વિટર પર લખ્યુ હતું કે વેન્ડેલ તેનો ડ્રિમ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં જ ચાલ્યો ગયો. હું તેની સાથે ગોઆમાં વિતાવેલો સમય ક્યારેય નહીં ભુલી શકું.

 વેન્ડેલ રોડ્રિક્સ છેલ્લે ત્યારે વિવાદોમાં સપડાયા હતા જ્યારે તેમણે પ્રિયંકા ચોપરાનાં ગ્રામી એવોર્ડ્ઝમાં પહેરેલા ડ્રેસની ટિકા કરી હતી. લોકોએ તેમને આડે હાથે લીધા પણ તેમણે બહુ સ્પષ્ટતાથી લખ્યુ હતું કે તેઓ પ્રિયંકા ચોપરાનાં શરીર પર નહીં પણ ડ્રેસ પર ટિપ્પણી કરી રહ્યા હતા અને કોઇપણ પ્રકારનાં કપડાં પહેરવાની એક ઉંમર હોય છે તે પ્રકારની સ્પષ્ટતા કરતી પોસ્ટ લખી હતી.

goa fashion news lakme fashion week fashion bollywood news malaika arora priyanka chopra anushka sharma