ટોટલ ટાઈમપાસ: પ્રિયામણિને ઇન્ડો-હૉલીવુડ ફિલ્મમાં ચમકવાની તક મળી

18 February, 2026 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની સાથે ટેલિવિઝનનો લોકપ્રિય ઍક્ટર મોહિત રૈના લીડ રોલમાં જોવા મળશે

દક્ષિણ ભારતીય ઍક્ટ્રેસ પ્રિયામણિ

દક્ષિણ ભારતીય ઍક્ટ્રેસ પ્રિયામણિને આંતરરાષ્ટ્રીય ફિલ્મ-પ્રોજેક્ટ મળ્યો છે. હવે તે ઇન્ડો-હૉલીવુડ ફિલ્મમાં જોવા મળશે જેમાં તેની સાથે ટેલિવિઝનનો લોકપ્રિય ઍક્ટર મોહિત રૈના લીડ રોલમાં જોવા મળશે. અગાઉ પ્રિયંકા ચોપડાએ બૉલીવુડમાંથી હૉલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી અન્ય ભારતીય કલાકારો માટે માર્ગ ખોલ્યો હતો. હવે પ્રિયામ‌ણિ પણ એ જ દિશામાં આગળ વધી રહી છે અને એક મહત્ત્વાકાંક્ષી ક્રૉસ-બૉર્ડર ફિલ્મનો ભાગ બની રહી છે. આ ફિલ્મની વાર્તામાં એક ઇમિગ્રન્ટ પરિવારના જીવન, ઓળખ અને લાગણીસભર સંઘર્ષને રજૂ કરવામાં આવશે. પ્રોજેક્ટનું શૂટિંગ એપ્રિલ મહિનાથી શરૂ થવાની શક્યતા છે.

કિરણ રાવ બની ચિકનગુનિયાનો ભોગ

ફિલ્મમેકર અને આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ હાલમાં બીમાર છે અને તેણે સોશ્યલ મીડિયા દ્વારા પોતાની તબિયત વિશે માહિતી શૅર કરી છે. કિરણે પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરીમાં જણાવ્યું છે કે તેને ચિકનગુનિયા થયો હતો અને હવે તેની તબિયત ધીરે-ધીરે સારી થઈ રહી છે. આ પોસ્ટમાં કિરણે હળવાશથી લખ્યું છે કે તેની પાલતુ બિલાડી મિરી એક ઉત્તમ પૅરામેડિકની જેમ તેની સંભાળ રાખી રહી છે અને તાવ પર નજર રાખે છે.

સુધીર મિશ્રાની ફિલ્મમાં મનોજ બાજપાઈ બનશે મહાત્મા ગાંધી

ફિલ્મમેકર સુધીર મિશ્રાએ જાહેરાત કરી પુષ્ટિ કરી છે કે મનોજ બાજપાઈ તેમની આવનારી બાયોગ્રાફિકલ ફિલ્મમાં મહાત્મા ગાંધીનું પાત્ર નિભાવશે. આ કાસ્ટિંગને લઈને ઘણાં અઠવાડિયાંથી ચર્ચા ચાલી રહી હતી પણ હવે સુધીર મિશ્રાએ સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને આ વાતની સ્પષ્ટતા કરી છે. આ ફિલ્મની વાર્તા વિશે હજી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે વાર્તા ગાંધીજીના જીવનના ચોક્કસ સમયખંડો અને મહત્ત્વપૂર્ણ પ્રસંગોને કેન્દ્રમાં રાખશે. શૂટિંગ માટે કલકત્તાને પસંદ કરવામાં આવ્યું છે કારણ કે શહેરનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ફિલ્મના માહોલ સાથે તાલમેલ સાધે છે. જો શેડ્યુલ અનુરૂપ રહેશે તો સપ્ટેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. હાલ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલુ હોવાનું જાણવા મળે છે.

૮ મેએ રિલીઝ થશે સની દેઓલની ગબરુ

‘બૉર્ડર 2’ પછી આ વર્ષે સની દેઓલના બીજા કેટલાક પ્રોજેક્ટ રિલીઝ થવાના છે. આ ફિલ્મોમાં શશાંક ઉદાપુરકરની ફિલ્મ ‘ગબરુ’નો પણ સમાવેશ થાય છે. સનીએ ગયા વર્ષે આ ફિલ્મની જાહેરાત કરી હતી અને એનું મોશન પોસ્ટર પણ શૅર કર્યું હતું. પહેલાં ‘ગબરુ’ને ૧૩ માર્ચે રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ હવે એની રિલીઝ-તારીખ આગળ ધકેલી દેવામાં આવી છે. રિપોર્ટ મુજબ ‘ગબરુ’ હવે ૮ મેના દિવસે સિનેમાઘરોમાં આવશે. ‘ગબરુ’માં સની દેઓલ મધ્ય વયના પરિવારપ્રેમી વ્યક્તિના પાત્રમાં નજર આવશે. વાર્તા એવા માણસની છે જેના જીવનમાં અચાનક બનેલી કેટલીક ઘટનાઓ પછી મોટો ફેરફાર આવે છે. આ પરિસ્થિતિઓ દ્વારા તે પોતાને ફરી ઓળખે છે અને જીવનને નવા દૃષ્ટિકોણથી જીવવાનું શીખે છે. મળતી માહિતી પ્રમાણે આ ભૂમિકા સની દેઓલની અત્યાર સુધીની ઍક્શન ઇમેજથી ખૂબ અલગ છે.

તુમ્બડ 2ના વિલન બનવા માટે અક્ષય ખન્ના અને નવાઝુદ્દીન સિદ્દીકી વચ્ચે ગળાકાપ સ્પર્ધા

૨૦૧૮માં રિલીઝ થયેલી ‘તુમ્બડ’ની સફળતા પછી હવે એની સીક્વલ ‘તુમ્બડ 2’ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ ભાગ વધુ ડાર્ક, ભવ્ય અને ઇન્ટેન્સ બનવાનો છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ફિલ્મની વાર્તામાં એક શક્તિશાળી વિલન અત્યંત મહત્ત્વનો ભાગ ભજવશે અને ટીમ વાર્તાને નેગેટિવ લીડ સાથે નવા સ્તરે લઈ જવા માગે છે. આ રોલ માટે હાલમાં અક્ષય ખન્ના અને નવાઝુદ્દીન સિદ્દીકી વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. આ બન્ને સ્ટાર્સની ગ્રે શેડ્સ અને અનપ્રિડિક્ટેબલ પાત્રો નિભાવવાની ક્ષમતાને કારણે ‘તુમ્બડ 2’ના વિલનના પાત્ર માટે તેમના નામની વિચારણા ચાલી રહી છે અને બહુ જલદી ફાઇનલ પસંદગી કરી દેવામાં આવશે.

bollywood buzz bollywood news entertainment news bollywood gossips bollywood border manoj bajpayee sudhir mishra