ટોટલ ટાઇમપાસ: ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ બનશે પેરન્ટ્સ? અને વધુ સમાચાર

20 March, 2024 06:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્ન બાદની ક્રિતીની પહેલી રસોઈ પસંદ આવી પુલકિતની દાદીને, જોઈ લો કાળા પાણીની સજા ભોગવનાર વીર સાવરકરને ,‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’ની જોડીની શા માટે હકાલપટ્ટી થઈ?

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ

‘બિગ બૉસ 17’માં જોવા મળેલાં ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ બહુ જલદી પેરન્ટ્સ બનવાના હોય એવી ચર્ચા છે. ઐશ્વર્યા હાલમાં જ ‘ડાન્સ દીવાને’ના સેટ પર બેભાન થઈને પડી ગઈ હતી. હોલી એપિસોડ માટેના પર્ફોર્મન્સ માટે તે તૈયારી કરી રહી હતી. જોકે ત્યાર બાદ તેણે સોશ્યલ મીડિયા પર સ્વસ્થ હોવાનું કહ્યું હતું. ‘બિગ બૉસ 17’માં તેના ગુસ્સા અને તેના ટૉક્સિક વર્તનને લઈને ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. જોકે હાલમાં એવી ચર્ચા છે કે ઐશ્વર્યા પ્રેગ્નન્ટ છે. બેબી જ્યાં સુધી એકદમ સ્વસ્થ ન હોય ત્યાં સુધી તેઓ આ વિશે કોઈ જાહેરાત કરવા નથી માગતાં એવી ચર્ચા છે.

લગ્ન બાદની ક્રિતીની પહેલી રસોઈ પસંદ આવી પુલકિતની દાદીને


ક્રિતી ખરબંદાએ લગ્ન બાદ પહેલી રસોઈમાં હલવો બનાવ્યો છે. ક્રિતી અને પુલકિત સમ્રાટે પંદરમી ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં. ક્રિતીએ સૂજીનો હલવો બનાવ્યો હતો અને એનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે મારી પહેલી રસોઈ. અન્ય એક ફોટોમાં પુલકિતની દાદી સાથે ક્રિતી જોવા મળી રહી છે. આ ફોટો શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે દાદીએ મારી વાનગીને અપ્રૂવ કરી છે.

જોઈ લો કાળા પાણીની સજા ભોગવનાર વીર સાવરકરને


રણદીપ હૂડાએ ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શૅર કર્યો છે. આ ફોટો તેની આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નો છે. વીર સાવરકરને કાળા પાણીની સજા થઈ હતી. એ દરમ્યાન તેઓ ખૂબ જ દૂબળાપાતળા થઈ ગયા હતા, કારણ કે તેમને ભોજન પણ પૂરતુ આપવામાં નહોતું આવતું. આ માટે રણદીપ હૂડાએ પણ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહેલી તેની ફિલ્મ માટે બૉડી-ટ્રાન્સફૉર્મેશન કર્યું હતું. રણદીપે આ પહેલી વાર બૉડી-ટ્રાન્સફૉર્મેશન નથી કર્યું. અગાઉ ‘સરબજિત’ માટે પણ તેણે બૉડી-ટ્રાન્સફૉર્મ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. આ ટ્રાન્સફૉર્મેશન દ્વારા પણ તેણે લોકોને ચોંકાવી દીધા છે. 

‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’ની જોડીની શા માટે હકાલપટ્ટી થઈ?
સ્ટાર પ્લસ પર આવતા શો ‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’નાં લીડ ઍક્ટર્સ શહઝાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખેને શોમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હોવાની ચર્ચા છે. શહઝાદા શોના પહેલા દિવસથી સેટ પર નખરાં દેખાડી રહ્યો હતો, સેટ પર ટીમના સભ્યો સાથે દુર્વ્યવહાર કરતો હતો, મેકર્સ દ્વારા ઘણી વાર તેને સમજાવવામાં આવ્યો હતો પણ તે સમજી ન રહ્યો હોવાથી આખરે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રતીક્ષાને લઈને શોના મેકર્સને ઘણી આશા હતી, પરંતુ તે અપેક્ષાઓ પર ખરી ન ઊતરતી હોવાથી મેકર્સે તેને પણ કાઢી હોવાનું સાંભળવા મળ્યું છે. ૨૦૦૯માં શરૂ થયેલો આ શો હજી પણ ચાલી રહ્યો છે અને એમાં હવે ચોથી જનરેશનની સમૃદ્ધિ શુક્લા લીડ કરશે.

entertainment news bollywood buzz bollywood news randeep hooda television news Bigg Boss pulkit samrat