ઇમોશનલ સ્પોર્ટ્સ-વૉર-ડ્રામા: તોરબાઝ

14 December, 2020 08:28 PM IST  |  Mumbai | Harsh Desai

ઇમોશનલ સ્પોર્ટ્સ-વૉર-ડ્રામા: તોરબાઝ

તોરબાઝની સ્ટોરીને વધુ સારી બનાવી શકાઈ હોત, પરંતુ એ બની નથી શકી.

સંજય દત્ત આ ફિલ્મમાં તેની ઍક્ટિંગનો જાદુ નથી ચલાવી શક્યો : સ્ક્રીનપ્લેને કારણે ફિલ્મ બોરિંગ બની ગઈ છે : સિનેમૅટોગ્રાફી સારી છે, પરંતુ નાની સ્ક્રીન પર એ જાદુ નહીં ચલાવી શકે

સંજય દત્તની ‘સડક 2’ ઑનલાઇન રિલીઝ થઈ હતી અને હવે તેની ‘તોરબાઝ’ પણ થઈ છે. જોકે ‘સડક 2’ની સરખામણીમાં ‘તોરબાઝ’ થોડી સ્પેશ્યલ ફિલ્મ છે, કારણ કે તે કૅન્સરમાંથી સારો થયા બાદ તેની આ પહેલી ફિલ્મ રિલીઝ થઈ છે. ગિરીશ મલિક દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. નેટફ્લિક્સથી યાદ આવ્યું આ એ જ પ્લૅટફૉર્મ છે જે કન્ટેન્ટને નહીં, પરંતુ નામને પ્રાધાન્ય આપે છે. આ ફિલ્મમાં સંજય દત્ત, નર્ગિસ ફખરી, રાહુલ દેવ અને પ્રોડ્યુસર રાહુલ મિત્રા પણ છે.
ફિલ્મની સ્ટોરી અફઘાનિસ્તાનસ્થિત છે. અફઘાનિસ્તાનમાં થતા હુમલા અને બાળકોને હ્યુમન બૉમ્બ અથવા તો સુસાઇડ બૉમ્બર બનાવવામાં આવે એની આસપાસ સ્ટોરી ફરે છે. અફઘાનિસ્તાનમાં હુમલાને કારણે જે પરિવાર અને બાળકો રેફ્યુજી કૅમ્પમાં રહે છે તેમની આ સ્ટોરી છે. સંજય દત્ત આ ફિલ્મમાં રિટાયર્ડ મિલિટરી ડૉક્ટર નાસીર ખાનનું પાત્ર ભજવી રહ્યો છે. તેની પત્ની અને દીકરો અફઘાનિસ્તાનમાં આવા સુસાઇડ બૉમ્બમાં મૃત્યુ પામ્યાં હોય છે. તે ટ્રૉમામાંથી બહાર આવે છે ત્યારે તેને નર્ગિસ ફખરી એટલે આયેશા દ્વારા તેના નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશનના ઉદ્ઘાટન માટે બોલાવવામાં આવે છે. સંજય દત્તની પત્નીનું મિશન હોય છે કે તે અફઘાનિસ્તાનનાં બાળકોને સારી લાઇફ આપે અને એ મિશન આગળ આયેશા વધારે છે. જોકે આ દરમ્યાન સંજય દત્તને તેનો ભૂતકાળ ફરી યાદ આવે છે. જોકે આ તમામ વચ્ચે તે તેના દીકરા સાથે રમતા ક્રિકેટની યાદોને તાજા કરે છે. તેમ જ તે તેના ક્રિકેટના પૅશનને આ અફઘાનિસ્તાનના રેફ્યુજી કૅમ્પમાં રહેતાં બાળકોમાં પણ જગાડવા માગે છે જેથી તેઓ આતંકવાદથી દૂર રહી શકે.
ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ કંગાળ છે. ફિલ્મ ખૂબ જ ધીમી છે અને એમાં એક પણ દૃશ્યો એવાં નથી જે આપણે જકડીને રાખે. ફિલ્મમાં શાંતિ-અમનની વાત કરવામાં આવી છે, પરંતુ સ્ક્રીનપ્લેને કારણે એટલી અસરદાર નથી રહી. ખૂબ જ ઇમોશનલ દૃશ્ય પણ કનેક્ટ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. ખાસ કરીને એક દૃશ્ય છે જેમાં સંજય દત્તની પત્ની અને દીકરો મૃત્યુ પામ્યાં હોય છે. તે જ્યારે તેના દીકરા પાસે જાય છે ત્યારે કોઈ ઇમોશન ફીલ નથી થતું. આ ડિરેક્ટરનો સૌથી મોટો માઇન્સ પૉઇન્ટ છે. આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ જલદી બોરિંગ બનતી જાય છે અને એન્ડ પણ થોડો ડ્રામેટિક આપવાની કોશિશ કરી છે.
સંજય દત્ત તેની ઍક્ટિંગ દ્વારા સૌથી ખરાબ દૃશ્યને પણ જીવંત કરી જાણે છે, પરંતુ આ ફિલ્મમાં તેનો એ ચાર્મ નથી રહ્યો. તેની અંદરની ઍક્ટિંગની એ ભૂખ ન હોય એવું લાગી રહ્યું છે. નર્ગિસ ફખરી ફિલ્મમાં નામ પૂરતી છે અને તે શું કામ છે એ પણ એક સવાલ છે. તે હોય કે ન હોય, ફિલ્મમાં કોઈ ફરક નથી પડતો. રાહુલ દેવ તેના પાત્રમાં જોરદાર લાગે છે, પરંતુ તેનું પાત્ર પણ એટલું અસરકારક નથી. તે હવે આ પ્રમાણેનાં પાત્રો માટે જાણીતો બની ગયો છે. આ સાથે જ કેટલાક ચાઇલ્ડ ઍક્ટર્સે ખૂબ જ સારું કામ કર્યું છે. ઘણાં દૃશ્યોમાં એવું લાગે છે કે બાળકો બસ, બાળકો બનીને કામ કરી રહ્યાં છે. ગિરીશ મલિકનું ડિરેક્શન પણ સ્ક્રીનપ્લેને કારણે એટલું અસરદાર નથી રહ્યું. જોકે સિનેમૅટોગ્રાફી સારી છે, પરંતુ નાની સ્ક્રીનને કારણે એ પણ એટલી સારી નહીં લાગે. તેમ જ મ્યુઝિક પણ સામાન્ય છે. તોરબાઝની સ્ટોરીને વધુ સારી બનાવી શકાઈ હોત, પરંતુ એ બની નથી શકી.

sanjay dutt harsh desai