દીકરી સુનયનાએ લખી પપ્પા રાકેશ રોશનની બાયોગ્રાફી

28 May, 2014 06:19 AM IST  | 

દીકરી સુનયનાએ લખી પપ્પા રાકેશ રોશનની બાયોગ્રાફી






રાકેશ રોશનની પુત્રી સુનયનાએ સોમવારે દિલ્હીમાં તેના પિતા અને ફિલ્મમેકર રાકેશ રોશનના જીવનચરિત્ર પર આધારિત સચિત્ર પુસ્તક ‘ટુ ડૅડ વિથ લવ’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાકેશ રોશન, તેમનાં પત્ની પિન્કી અને પુત્ર હૃતિક રોશન હાજર હતાં. સુનયનાએ કહ્યું હતું કે જ્યારથી મેં પપ્પા સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી મને એવું લાગ્યું હતું કે આ વ્યક્તિ વિશે લખવું જરૂરી છે.

પુસ્તકના લોકાર્પણપ્રસંગે કૅન્સર સામેની લડતમાં વિજયી નીવડેલી સુનયનાના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ તરી આવતો હતો. પપ્પા સાથે તે ‘ક્રિશ ૩’ના અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતી હતી ત્યારે સુનયનાને આ બાયોગ્રાફી લખવાનો વિચાર આવ્યો હતો. સુનયનાએ કહ્યું હતું કે ‘કામ કરતી વખતે મેં તેમનાં વિવિધ રૂપ જોયાં ત્યારે મને લાગ્યું કે અન્ય લોકોને પ્રેરણા મળે એ માટે પણ આ વ્યક્તિ વિશે લખવું અનિવાર્ય છે.’

આ પુસ્તકની પ્રસ્તાવના હૃતિક રોશને લખી છે અને તેની મમ્મી પિન્કીએ પુસ્તક લખવાના વિચારને પરિપૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સુનયનાએ કહ્યું હતું કે ‘મારા પપ્પાનું માનવું હતું કે ખરાબ સમય વધુ ટકતો નથી. એની સામે ટક્કર લેનાર વ્યક્તિ અડીખમ ઊભી રહી શકે છે એથી જ કૅન્સર સામેની લડતમાં હું વિજયી નીવડી છું.’

રાકેશ રોશનનું જીવનચરિત્ર લખવા માટેનો વિચાર આવતાં સુનયનાએ રાકેશ રોશનના બાળપણથી શરૂ કરીને એક યંગ હૅન્ડસમ ઍક્ટર, પતિ, પિતા અને ડિરેક્ટર સુધીના ફોટોગ્રાફ્સ ભેગા કરવાનું શરૂ કર્યું હતું. કોઈને ખબર ન પડે એ રીતે પરિવાર અને મિત્રોનો સંપર્ક કયોર્. શત્રુઘ્ન સિંહા, જિતેન્દ્ર તથા રિશી કપૂર સહિત ૩૦ લોકોને તે મળી હતી. તેમની સાથે વાતચીત કરીને પપ્પાની વિગતો ભેગી કરી હતી. જોકે સૌથી વધુ તકલીફ હૃતિક રોશનને આ પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે સમજાવતી વખતે થઈ હતી. જોકે બાદમાં તે માની ગયો હતો અને ખૂબ જ હૃદયસ્પર્શી પ્રસ્તાવના લખી આપી હતી.

રાકેશ રોશને ‘ખૂન ભરી માંગ’, ‘કરણ અજુર્ન’, ‘કહો ના પ્યાર હૈ’ તથા ‘ક્રિશ’ ફ્રેન્ચાઇઝીની ફિલ્મોનું ડિરેક્શન કર્યું હતું. રાકેશ રોશને લોકાર્પણપ્રસંગમાં કહ્યું હતું કે ‘મોદીજીને કહા અચ્છે દિન આનેવાલે હૈં. મેરે અચ્છે દિન તો આ ગએ. એક દીકરી પોતાના પિતાના જીવનચરિત્ર પર આધારિત પુસ્તકનું લોકાર્પણ કરે એનાથી વધુ સારું બીજું શું હોઈ શકે. સુનયનાએ મારા સ્કૂલ-ફ્રેન્ડ્સ, ટીચર્સ અને સાથીકલાકારોના ઇન્ટરવ્યુ લીધા એટલું જ નહીં; એને સારી રીતે પુસ્તકમાં રજૂ પણ કર્યા. આ તમામ વાતથી મને ઘણું આર્ય અને ગર્વ પણ થાય છે.’

મારી બહેન દુનિયાની સૌથી વધુ બહાદુર વ્યક્તિ છે : હૃતિક રોશન

હૃતિક રોશન તથા તેની પત્ની વચ્ચે અત્યારે છૂટાછેડાનો મામલો ચાલી રહ્યો છે. બન્ને અલગ-અલગ રહે છે. જીવનમાં ઘણો કપરો સમય ચાલી રહ્યો છે. એનો સામનો કરીને તે આગળ વધે છે, પરંતુ જ્યારે તે કૅન્સર સામે લડત આપતી પોતાની મોટી બહેન સુનયનાને જુએ છે ત્યારે તેને પોતાનો સંઘર્ષ બહુ ઓછો લાગે છે. લોકાર્પણ સમારંભ દરમ્યાન હૃતિક રોશને કહ્યું હતું કે ‘મારી બહેન પર મને ઘણો ગર્વ છે. કોઈને પણ હતોત્સાહ કરી નાખે એવા પડકાર સામે વિજય મેળવતી મારી બહેનને મેં જોઈ છે. મારી બહેન દુનિયાની સૌથી બહાદુર વ્યક્તિ છે.’

હૃતિક રોશન પોતાની બહેનને સ્ટેજ પર લઈ ગયો હતો અને તમામ લોકોને પોતાના ‘રિયલ સુપરહીરો’ની ઓળખાણ કરાવી હતી. ૭ મહિના બાદ સુનયના કોઈ જાહેર કાર્યક્રમમાં આવી હતી. હૃતિક રોશને બહેનને કહ્યું હતું કે ‘જ્યારે મારા જીવનમાં કોઈ પડકાર આવે છે ત્યારે હું તારા પડકારો અને તારા આ સ્મિતને જોઉં છું અને ત્યારે મને એવું લાગે છે કે મારી પાસે આગળ વધવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.’

હૃતિક રોશનની મોટી બહેન સુનયનાને ગરદનનું કૅન્સર હતું એટલું જ નહીં, તેનાં બે લગ્નો પણ નિષ્ફળ નીવડ્યાં હતાં. પિતા પર પુસ્તક લખીને તેમનું નામ ઇતિહાસમાં અમર કરવા બદલ હૃતિક રોશને પોતાની બહેન અને મમ્મીનો આભાર માન્યો હતો.

હવે હૃતિક રોશન પર પણ પુસ્તક?

રાકેશ રોશન પરના પુસ્તક બાદ બીજા પ્રોજેક્ટ વિશે પૂછવામાં આવતાં સુનયના રોશને કહ્યું હતું કે હવે કદાચ હૃતિક પર પુસ્તક લખું. જોકે સુપરસ્ટાર હૃતિક રોશન પર પુસ્તક લખવાની આ વાતને કેટલી ગંભીરતાપૂર્વક લઈએ એવું પૂછવામાં આવતાં સુનયનાએ કહ્યું હતું કે ‘મેં માત્ર મજાકમાં આ વાત કરી છે. મેં કદી પિતા પર પણ પુસ્તક લખવાનો વિચાર નહોતો કયોર્, પરંતુ એમ છતાં મેં એ કર્યું.’