બાળ ઠાકરેની ટેવ શીખવી ખૂબ મુશ્કેલ હતું : નવાઝુદ્દીન સિદ્દીકી

28 December, 2018 08:05 AM IST  | 

બાળ ઠાકરેની ટેવ શીખવી ખૂબ મુશ્કેલ હતું : નવાઝુદ્દીન સિદ્દીકી

બાલ ઠાકરેની ભૂમિકામાં નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની પર્સનાલિટીની કૉપી કરવી ખૂબ જ મુશ્કેલ હતું. બાળ ઠાકરેની બાયોપિક ‘ઠાકરે’માં તેમનું પાત્ર નવાઝુદ્દીન સિદ્દીકી ભજવી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘બાળ ઠાકરેની બોલવા-ચાલવાની ટેવ, તેમની વિચારશૈલી અને તેમના વિઝનને પડદા પર રજૂ કરવાં ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. આ માટે મેં ખૂબ જ મહેનત કરી હતી. મને ખબર છે કે લોકો મારા લુકને લઈને ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે, પરંતુ એની ક્રેડિટ મેક-અપ આર્ટિસ્ટને જાય છે. એક સારો પ્રોફેશનલ આર્ટિસ્ટ મને તેમના જેવો લુક તો આપી શકે છે, પરંતુ તેમની પર્સનાલિટીને રજૂ કરવી અને એ માટે તૈયારી તો મારે જ કરવી પડી હતી. મેં એ માટે ખૂબ જ પ્રામાણિકતાથી કામ કર્યું છે.’

ઠાકરેને કોઈ પણ વ્યક્તિ બૅન નહીં જ કરી શકેઃસંજય રાઉત

‘ઠાકરે’ના ટ્રેલર-લૉન્ચની સાથે જ એ વિવાદમાં ફસાય છે, પરંતુ ફિલ્મના પ્રોડ્યુસર અને સંસદસભ્ય સંજય રાઉતનું કહેવું છે કે આ ફિલ્મને કોઈ બૅન ન કરી શકે. ફિલ્મને પ્રોડ્યુસ કરવાની સાથે એની સ્ટોરી પણ સંજય રાઉતે લખી છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ હિન્દી અને મરાઠીમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું ટ્રેલર બુધવારે જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં બાબરી મસ્જિદને તોડવામાં આવી હતી ત્યારની ઘટનાથી લઈને ૧૯૯૨માં મુંબઈમાં થયેલા હિન્દુ-મુસ્લિમ દંગાથી માંડી ઘણાં પૉલિટિકલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યાં છે. આ ફિલ્મના એક ડાયલૉગને કારણે સાઉથની ઇન્ડસ્ટ્રીના ઍક્ટર સિદ્ધાર્થ દ્વારા એનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો કે ફિલ્મ દ્વારા ‘હેટ સ્પીચ’ ફેલાવવામાં આવી રહી છે.

કેટલાક પૉલિટિકલ મુદ્દાઓને લઈને ફિલ્મ સેન્સર ર્બોડમાં પણ અટકી હોવાની ચર્ચા છે. આ વિશે સંજય રાઉતે કહ્યું હતું કે ‘બાળાસાહેબ જે રીતે તેમની લાઇફ જીવ્યા હતા એ જ રીતે અમે એને રજૂ કરી છે. તેમણે જે રીતે તેમના લોકો અને પૉલિટિકલ પરિસ્થિતિઓને લઈને નિવેદનો આપ્યાં હતાં એ જ અમે રાખ્યાં છે. અમે આ ફિલ્મમાં કંઈ પણ કાલ્પનિક ઉમેરો નથી કર્યો. અભિજિતે (ફિલ્મ-ડિરેક્ટર) દરેક વસ્તુને એકદમ રિયલ હોય એ જ રીતે રજૂ કરી છે. આ ફિલ્મને કોઈ બૅન નહીં કરી શકે. આ ઠાકરેની સ્ટોરી છે. કોઈ પણ વ્યક્તિ એને કેવી રીતે અટકાવી શકે? બાળ ઠાકરેએ તેમના કાર્યકાળ દરમ્યાન ઘણી વ્યક્તિઓને બૅન કરી હતી. શું લોકો એ ભૂલી ગયા છે? સાહેબના જીવનમાં શું સાચું છે અને શું ખોટું એ સેન્સર ર્બોડ કેવી રીતે નક્કી કરી શકે? ફક્ત ફૅમિલી મેમ્બરને તેમના વિશે ખબર છે. મને ખાતરી છે કે સેન્સર ર્બોડ પણ બાળાસાહેબના વિઝનને સમજી શકશે. તેઓ સમય લેશે, પરંતુ તેઓ સમજી જશે.’

ઠાકરે સિવાય એક પણ ફિલ્મ રિલીઝ નહીં થાય એવી ધમકી

શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની બાયોપિક ‘ઠાકરે’ની સામે એક પણ ફિલ્મ રિલીઝ નહીં થવા દેવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. 23 જાન્યુઆરીએ બાળ ઠાકરેની બર્થ-ઍનિવર્સરી છે અને એના બે દિવસ પછી એટલે કે ૨૫ જાન્યુઆરીએ ‘ઠાકરે’ને રિલીઝ કરવામાં આવશે. આ દિવસે હૃતિક રોશનની ‘સુપર 30’, કંગના રનોટની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ અને ઇમરાન હાશ્મીની ‘ચીટ ઇન્ડિયા’ રિલીઝ થઈ રહી છે. જોકે શિવસેનાની ચિત્રપટ સેનાના સેક્રેટરી બાળા લોકરેએ આડકતરી રીતે ધમકી આપી હતી. ફેસબુક પર બાળા લોકરેએ પોસ્ટ કરી હતી કે ‘૨૫ જાન્યુઆરી કો ‘ઠાકરે’ આ રહી હૈ. કોઈ ભી ફિલ્મ 25 કો આએગી તો ચલને નહીં દેંગે.’

shiv sena bal thackeray nawazuddin siddiqui bollywood entertaintment