‘ડૉન’ સામે સરકાર પણ ઝૂકી

07 December, 2011 09:08 AM IST  | 

‘ડૉન’ સામે સરકાર પણ ઝૂકી



ફિલ્મ કે ટીવીમાં પાત્ર દ્વારા જો ધૂમ્રપાન કરવામાં આવતું હોય તો એ ભાગને કાપી નાખવા અથવા સેન્સર કરવાનો નિયમ થોડા સમય પહેલાં સરકારના માહિતી અને પ્રસારણ ખાતાએ અમલમાં મૂક્યો હતો. આ કારણે જ શાહરુખ ખાન, પ્રિયંકા ચોપડા અને લારા દત્તાને ચમકાવતી ફરહાન અખ્તરની ‘ડૉન ૨ - ધ ચેઝ કન્ટિન્યુઝ’માં સેન્સરની કાતર ફરે અથવા ફિલ્મને ઍડલ્ટ સર્ટિફિકેટ આપવામાં આવે એવી શક્યતાઓ હતી. જોકે ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિધવાણીએ થોડા દિવસ પહેલાં માહિતી અને પ્રસારણ ખાતાનાં પ્રધાન અંબિકા સોની સાથે મુલાકાત કરી હતી. એની અસર સ્વરૂપે હવે આ નિયમને અત્યારે મુલતવી રાખવામાં આવ્યો છે અને લાગી રહ્યું છે કે ‘ડૉન ૨’ કોઈ કટ વગર જ રિલીઝ થશે.

રિતેશ સિધવાણીએ પ્રોડ્યુસર-ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે અંબિકા સોની સાથે મુલાકાત કરી હતી અને ક્રીએટિવ સ્વાતંત્રતા માટે તેમણે માગણી કરી હતી. આ મુલાકાતમાં તેમનું કહેવું હતું કે તેઓ ધૂમ્રપાનને પ્રમોટ નથી કરી રહ્યા, પણ પાત્રની પૂરેપૂરી અસરકારકતા માટે આ પ્રકારનાં દૃશ્યો જરૂરી હોય છે. આ ઉપરાંત જે સ્ટારે ધૂમ્રપાન કર્યું હોય તે ફિલ્મ શરૂ થાય એ પહેલાં ધૂમ્રપાનની આડઅસરો સમજાવતા વિડિયોમાં હાજર રહે એ નિયમ પણ રાખવામાં આવ્યો હતો. આ પહેલાં પણ મહેશ ભટ્ટે જ આ નિયમનો વિરોધ કર્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયનો વિરોધ

જોકે આ નિયમને લાગુ કરવા માટે મૂકવામાં આવેલા બૅનથી યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી ઘણી નાખુશ છે. એણે જ પહેલાં આ નિયમ લાગુ કરાવ્યો હતો. એના માનવા પ્રમાણે સ્મોકિંગનો મોટા પડદા પર ઉપયોગ બાળકો અને યુવાનોને આ કુટેવ સ્વીકારવા પ્રેરે છે.