15 June, 2023 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કંગના રણોત અને નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મના ટ્રેલર લોન્ચમાં (તસવીર : યોગેન શાહ)
અભિનેત્રી-ફિલ્મ નિર્માત્રી કંગના રણોત (Kangana Ranaut) અત્યારે તેની અપકમિંગ ફિલ્મ નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને અવનીત કૌર (Avneet Kaur) સ્ટારર ‘ટીકુ વેડ્સ શેરુ’ (Tiku Weds Sheru)ને કારણે સતત ચર્ચામાં છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon Prime Video) પર સ્ટ્રીમ થશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે અને લોન્ચ ઈવેન્ટમાં કંગનાએ અનેક બાબતોના ખુલાસા કર્યા હતા. દરમિયાન, અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે ફિલ્મ માટે હીરો તરીકે પ્રથમ પસંદગી દિવંગત અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan) હતા. પરંતુ વિવિધ કારણોસર ફિલ્મનું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું અને ઇરફાનના મૃત્યુ બાદ નવાઝુદ્દીન સિદ્દીકીને ફિલ્મની ઓફર આપવામાં આવી હતી.
ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’નું તાજેતરમાં ટ્રેલર લૉન્ચ થયું છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર રોમાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. ફિલ્મમાં બન્નેના લિપ કિસિંગ સીન બતાવવામાં આવ્યા છે, જેના કારણે લોકો ગુસ્સે ભરાયા છે.
ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં કંગનાએ કહ્યું કે, ‘એવું લાગે છે કે હું ફરીથી ડેબ્યૂ કરી રહી છું. આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે અને તેની પાછળ કારણ પણ છે. એ જ કારણ જે આજ સુધી મેં કોઈને કહ્યું નથી. આ ફિલ્મ પહેલા જ લોન્ચ થઈ ચૂકી છે. ઘણા વર્ષો પહેલા એટલે કે લગભગ છ-સાત વર્ષ પહેલા હું અને ઇરફાન સર આ ફિલ્મ કરી રહ્યા હતા. અમે મીડિયાને બોલાવ્યા હતા અને એક મોટી ઇવેન્ટ પણ થઈ હતી. તે સમયે ફિલ્મનું નામ હતું `ડિવાઇન લવર્સ`. પરંતુ કમનસીબે મારા ડાયરેક્ટર બીમાર પડ્યા અને કંઈ વર્કઆઉટ ન થયું. પછી અમે આગામી બે-ત્રણ વર્ષ સુધી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે શક્ય બન્યું જ નહીં. જ્યાં સુધી ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાં સુધીમાં ઇરફાને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી.’
કંગનાએ કહ્યું કે, ફિલ્મની પિચ એમેઝોન પ્રાઇમ સામે આમ જ મજાક મસ્તીમાં કરવામાં આવી હતી. પરંતુ ટીમને સ્ક્રિપ્ટ પસંદ પડી અને ફિલ્મ નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર સાથે શૂટ કરવામાં આવી.
વધુમાં અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે ઇરફાન પછી નવાઝુદ્દીનને ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યો. કોવિડ દરમિયાન તે તેની સ્ક્રિપ્ટ સાથે નવાઝ પાસે પહોંચી હતી. કંગનાએ કહ્યું, ‘હું નવાઝ સરનો નંબર શોધી રહી હતી પરંતુ લોકોએ મને કહ્યું કે તે આવનારા પાંચ વર્ષ સુધી આ ફિલ્મ સાઈન કરશે નહીં. હું વિચારમાં પડી ગઈ હતી કે આ શું છે. જો તેમને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમે તો તેમને સાઈન કરવી જોઈઉ. પરંતુ મને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તે કોઈની સાથે વાત પણ નહીં કરે. પણ આખરે મેં તેમને મેસેજ કર્યો કે હું તેમને મળવા માંગુ છું. તેમણે મને કહ્યું કે તે બેંગ્લોરમાં છે તેથી હું તેમને મળવા ત્યાં ગઈ હતી. હું ત્યાં પહોંચી અને મને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા `ઓહ તમે આવી ગયા`. મેં કહ્યું હા હું આવી ગઈ છું અને આ સ્ક્રિપ્ટ તમારા માટે છે. તેમણે કહ્યું કે, તું આટલા દુરથી આવી છે એટલે હું વાંચ્યા વગર આ ફિલ્મ કરવા તૈયાર છું.’ કંગનાએ કહ્યું કે તેનો જુસ્સો જોઈને જ નવાઝ આ ફિલ્મ કરવા તૈયાર થયા હતા.