મરવાનું તો બધાએ છે, પણ એ પહેલાં પૂરી રીતે જીવી લઈએ

13 June, 2026 04:16 PM IST  |  Mumbai | Jigisha Jain

આ સિદ્ધાંત મુજબ જીવન જીવતા અને છેલ્લાં પંચાવન વર્ષથી રંગમંચ, ટીવી અને ફિલ્મોની દુનિયામાં કૉમેડીનો જાદુ પાથરનારા પીઢ અભિનેતા ટીકુ તલસાણિયાના શોખ ૨૫-૩૦ વર્ષના યુવાનને પણ શરમાવે એવા છે.

પત્ની દીપ્તિ, પુત્રી શિખા તથા પુત્ર રોહન સાથે ટીકુ તસલાણિયા.

આ સિદ્ધાંત મુજબ જીવન જીવતા અને છેલ્લાં પંચાવન વર્ષથી રંગમંચ, ટીવી અને ફિલ્મોની દુનિયામાં કૉમેડીનો જાદુ પાથરનારા પીઢ અભિનેતા ટીકુ તલસાણિયાના શોખ ૨૫-૩૦ વર્ષના યુવાનને પણ શરમાવે એવા છે. આ ઉંમરે તેમનો અભિનય તો ચાલુ જ છે, એની સાથે-સાથે બાઇક રાઇડિંગ, પૅરા-ગ્લાઇડિંગ, આર્ચરી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ફોટોગ્રાફી જેવા કેટલાય શોખ તેઓ ધરાવે છે અને પૂરા પણ કરે છે

૧૯૭૩ આસપાસનો સમય. જયહિન્દ કૉલેજના ફૉર્મમાં ઍડ્‍​મિશન લેવા માગતા ટીકુ તલસાણિયાએ લખ્યું કે મેં નાટકોમાં કામ કર્યું છે અને મને એ કરવું ખૂબ ગમે છે. ટકાવારી તો ઓછી હતી, પણ ઍડ્‍મિશન દેનારે એ જોઈને તેમને ઍડ્‍મિશન આપી દીધું. જયહિન્દ કૉલેજ એ સમયે ઇન્ડિયન નૅશનલ થિયેટરનો ગઢ ગણાતી. ટીકુ તલસાણિયાએ દરેક સ્પર્ધામાં ભાગ લીધો. નાટકો કર્યાં. ત્યાં કાર્યરત સુરેશ રાજડાએ એક વાર તેમની મુલાકાત નાટ્યકાર પ્રવીણ જોશી સાથે કરાવી. તેમણે પૂછ્યું, ‘શું નામ?’ સામેથી જવાબ આવ્યો -ટીકુ. પ્રવીણ જોશી બોલ્યા, ‘ભાઈ, કોઈ પૂછે તો હુલામણું નામ ન કહેવાનું હોય. સાચું નામ શું છે?’ છોકરાએ કહ્યું, ‘ટીકુ જ છે મારું નામ. દાદાજીએ આવું જ પાડેલું.’ સામાન્ય રીતે આવાં નામોવાળી વ્યક્તિ મોટી થઈને નામ બદલાવી નાખતી હોય છે, પણ એ સમયે નામ બદલાવવામાં આપવા પડતા પેપર્સ અને કરવી પડતી મહેનત એ છોકરાને કરવી નહોતી, કદાચ એટલે કે તેને પોતાના નામથી કંઈ પ્રૉબ્લેમ જ નહોતો. આમ તો પહેલેથી જ ભીડમાં જુદા તરી આવનારું વ્યક્તિત્વ હતું અને નામે એમાં ઉમેરો કર્યો હતો. તેનું કામ પ્રવીણ જોશીએ જોયું હતું. એક દિવસ તેમના નાટકના બૅક-સ્ટેજ પર જ પ્રવીણ જોશી તેમને મળ્યા અને પૂછ્યું કે મારા નાટકમાં કામ કરીશ? તો ટીકુએ કહ્યું, ‘ચોક્કસ’. ‘પણ ત્રણ મહિના ગુજરાતમાં રહેવું પડશે.’ પ્રવીણભાઈએ આ શરત મૂકી એટલે  ટીકુએ કહ્યું, ‘મારી પાસે ટિકિટના પૈસા નથી. એ તમારે જ આપવા પડશે.’ પ્રવીણ ભાઈ હસ્યા અને કહ્યું, ‘ફક્ત ટિકિટ નહીં, ત્યાં રહેવાના, ખાવા-પીવાના કશા જ પૈસા તારે નથી આપવાના.’ આ વાત સાંભળીને રાહત અનુભવતા ટીકુને તરત જ પ્રવીણભાઈએ પ્રશ્ન પૂછ્યો, ‘તો સાહેબ, તમે કેટલા પૈસા લેશો?’ આ પ્રશ્ને ટીકુનું આશ્ચર્ય ચારગણું વધારી દીધું. એ દિવસ યાદ કરતાં તેઓ કહે છે, ‘મેં તેમને પૂછ્યું, ફરી-ફરીને પૂછ્યું, કારણ કે મને વિશ્વાસ નહોતો આવતો કે આ ‘કામ’ના પૈસા પણ મળે! મને એવી ખબર જ નહોતી. નાટકો કરવાં મને ગમતાં, એટલે હું કરતો. પણ આ કામ કરીને પૈસા કમાઈ શકાય એ મને ખબર જ નહોતી. જ્યારે તેમણે પૂછ્યું ત્યારે મેં તેમને કહ્યું કે મને શું ખબર કે કેટલા માગવાના હોય? તમે જે બધાને આપતા હશો એટલા મને આપજો. તો એ પહેલા નાટકના એક શોના મારા ૨૫ રૂપિયા નક્કી થયા. આ દિવસે મેં નક્કી કર્યું કે આપણે ઍક્ટિંગને કરીઅર તરીકે અપનાવી શકીએ.’

એક સે બઢ કર એક પ્રોજેક્ટ્સ 
એ પછી ટીકુભાઈએ પ્રવીણ જોશી સાથે ઘણાં નાટકો કર્યાં. તે તેમના મેન્ટર બની ગયા. આમ, પોતાની ઍક્ટિંગ કરીઅરની શરૂઆત તેમણે ગુજરાતી રંગભૂમિથી કરી હતી. તેમના ‘કાનજી વિરુદ્ધ કાનજી’, ‘ક કાનજીનો ક’ અને ‘શાતિર’ સૌથી પ્રસિદ્ધ નાટકો છે. ‘થોડું લૉજિક, થોડું મૅજિક’ તેમનું અત્યંત પ્રિય નાટક કહી શકાય. તેમણે ‘વ્હાલમ જાઓને’, ‘જય માતાજી લેટ્સ રૉક’, ‘ફરી એક વાર’, ‘મિસરી’ જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટીકુ તલસાણિયાએ ૧૯૮૪માં ‘યે જો હૈ ઝિંદગી’થી શરૂઆત કરીને અઢળક ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો છે. 
ટીકુ તલસાણિયાએ ૧૯૮૬માં રાજીવ મહેરાની ફિલ્મ ‘પ્યાર કે દો પલ’થી બૉલીવુડ કરીઅરની શરૂઆત કરી હતી. ‘ઉમર પચપન કી દિલ બચપન કા’, ‘અંદાઝ અપના અપના’, ‘દિલ હૈ કિ માનતા નહીં’, ‘બોલ રાધા બોલ’, ‘દેવદાસ’, ‘જોડી નંબર-1’, ‘શક્તિમાન’, ‘કુલી નંબર-1’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘દરાર’, ‘ઈશ્ક’, ‘જુડવા’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘રાજુ ચાચા’, ‘મેલા’, ‘અખિયોં સે ગોલી મારે’, ‘હંગામા’, ‘ઢોલ’, ‘ધમાલ’, ‘સ્પેશ્યલ 26’, ‘સર્કસ’ જેવી અઢળક ફિલ્મોમાં આપણે તેમને જોયા છે. તેમણે ૧૯૯૩માં આવેલી ફિલ્મ ‘વક્ત હમારા હૈ’માં એક ગંભીર પાત્રની ભૂમિકા ભજવી હતી. ૨૦૨૪માં રિલીઝ થયેલી રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી અભિનીત ફિલ્મ ‘વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો’માં જોવા મળ્યા હતા. અને આવતા અઠવાડિયે એમની નવી ફિલ્મ ‘કોકટેલ 2’ રિલીઝ થઈ રહી છે. 

હૅપી ગો લકી બાળપણ 
ટીકુભાઈનું મોસાળ જામનગર અને દાદાનું ઘર લિંબડીમાં હતું. પપ્પા ડૉક્ટર હતા અને વર્ષોથી મુંબઈ આવીને સ્થાયી થયા હતા. તારદેવ, ધોબીતળાવ, મુંબઈ સેન્ટ્રલ અને મલાડ ઈસ્ટ જેવા મુંબઈના જુદા-જુદા વિસ્તારમાં તેઓ મોટા થયા. સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલમાં ભણ્યા. તેઓ ત્રણ બહેનો અને બે ભાઈ એમ પાંચ ભાંડરડાં હતાં, જેમાં વચ્ચેનો નંબર ટીકુભાઈનો હતો. શું બનવું હતું નાનપણમાં એ તો નક્કી ન હતું, પરંતુ શું નહોતું બનવું એ ફિક્સ હતું, એમ વાત કરતાં ટીકુભાઈ કહે છે, ‘મને પુસ્તકો જોઈને તમ્મર આવી જતાં એટલે પપ્પાની જેમ ડૉક્ટર તો બની શકાય એમ હતું જ નહી. મને બનવું પણ ન હતું. વળી, એ સમયે અમારી ઉંમરનાં બાળકોને એવી ખબર નહોતી પડતી કે કરીઅર કોને કહેવાય કે પૈસા કમાવા કેમ જરૂરી છે. અમે મસ્તરામ બનીને બાળપણ પસાર કર્યું છે. હું ત્યારે પણ ‘હૅપી ગો લકી’ ટાઇપનો જ હતો. સ્કૂલમાં દરેક સ્પર્ધામાં ભાગ લેતો, નાટકો કરતો, પણ એવું મગજમાં ન હતું કે મોટા થઈને આમાં જ કંઈક કરીશું.” 

યાદગાર બનાવ 
પ્રવીણ જોશી સાથેનો એક બનાવ યાદ કરતાં ટીકુભાઈ કહે છે, ‘પ્રવીણ જોશી મારા મેન્ટોર છે. હું જે પણ શીખ્યો એમાં તેમની પાસેથી સૌથી વધુ શીખ્યો છું. એક સમયે રાજકોટમાં અમારું એક નાટક હતું, જેમાં ફૂલોની જરૂર હતી. પ્રવીણભાઈને પ્લાસ્ટિકનાં ફૂલો બિલકુલ ગમે નહીં. એટલે હું અને એક બૅક-સ્ટેજવાળો ફૂલ લેવા નીકળ્યા, પણ રાજકોટમાં બટન ગુલાબ જ મળે. અમને ઇંગ્લિશ ગુલાબ જોઈતાં હતાં. અમે ખૂબ ફર્યા, પણ અમને એ મળ્યાં નહીં. ત્યારે એક રિક્ષાવાળાએ અમને કહ્યું કે એક બંગલામાં એણે ગુલાબ જોયાં છે. મેં તેને કહ્યું તું ત્યાં લઈ લે. કોઈના ઘરે અમે આમ જ ગુલાબ લેવા ઘૂસ્યા. એ ઘર કોઈ તેલની કંપનીના માલિકનું હતું જે અમારું નાટક જોવા એક દિવસ પહેલા જ આવેલા. એ મને જોઈને ખુશ થઈ ગયા. એમણે અમને અંદર બોલાવ્યા. આ ઘરના બગીચામાં મેં પહેલી વાર જીવનમાં ૩૦૦-૪૦૦ ગુલાબની વરાઇટી જોઈ. એક બતકવેલ જોઈ, એ જેના પર ફૂલો બતક આકારનાં હોય. મને કુદરત સાથે એક અલગ લગાવ છે. આ બધું જોઈને અભિભૂત થઈ ગયો હતો હું. મેં તેમને ત્યાંથી ગુલાબ લીધાં અને નાટકમાં એક પ્રૉપર્ટી તરીકે વાપર્યાં. પ્રવીણભાઈ જોઈને ખૂબ ખુશ થયા. મેં તેમને વાત કરી તો તેમને પણ આ બગીચો જોવો હતો તો અમે બીજે દિવસે તેમને લઈને ફરી ગયા. એ જોઈને અમે એટલા ઇન્સ્પાયર થયા કે એના પછી અમે નાટક કર્યું, ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’.’ 

કઈ રીતે શીખ્યું 
નાટકોને કારણે જ હું દુનિયા ફર્યો છું એમ કહી શકાય. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા જઈ-જઈને અમે ગુજરાતી નાટકો કર્યાં છે. તેઓ કહે છે, ‘હું ઍક્ટિંગ કશે શીખવા નહોતો ગયો. કામ કરતો ગયો અને શીખતો ગયો. સ્ટેજનું દરેક કામ આપણું જ છે. જ્યારે ઍક્ટિંગ ન કરતા હો ત્યારે બૅક-સ્ટેજ કરવાનું. લાઇટિંગ કેમ થાય, સ્ટેજ ડિઝાઇન કેવી રીતે થાય, મ્યુઝિક કેવી રીતે વાપરવાનું બધું જ હું શીખ્યો. ટીવીમાં ગયો તો એની સ્ટાઇલ જુદી હતી. એ પણ જાતે જોઈ-જોઈને શીખ્યો. સમજ્યો. થાય એવું કે તમારો રિયાઝ તમને આત્મવિશ્વાસ અપાવે. જેટલો અનુભવ કેળવાય એમ સમજાતું જાય અને એ રીતે આત્મવિશ્વાસ વધે. એ રીતે તમે તમારી જાતને વધુ ને વધુ સારી રીતે એક્સપ્રેસ કરી શકો. મને ક્યારેય લાગ્યું નથી કે મેં કોઈ સ્ટ્રગલ કરી છે. એટલું બધું શીખવાનું છે દુનિયામાં, હું સતત શીખતો રહ્યો. જ્યારે કામ હતું ત્યારે કામ કર્યું, બાકીના સમયમાં હું શીખ્યો.’ 

ઍડવેન્ચર 
૨૦૨૫માં ટીકુભાઈને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. એ સમય પછી આજની તારીખે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. ૭૧ વર્ષની ઉંમરે તેઓ ફિલ્મો તો કરી જ રહ્યા છે, પરંતુ કામ સિવાય પણ એમના અઢળક શોખ છે. જીવનને તેઓ પૂરી રીતે જીવી લેવામાં અને માણી લેવામાં માને છે. ટીવી-સિરીયલ કરતાં-કરતાં જ્યારે પહેલી વાર પૈસા હાથમાં આવ્યા ત્યારે તેમણે તેમના શોખને પૂરો કરવા રૉયલ એનફીલ્ડ ખરીદી હતી. એ સમયનો બાઇક ચલાવવાનો શોખ તેમને હજુ પણ છે, જે વિશે વાત કરતાં ટીકુભાઈ કહે છે, ‘ઘણા લોકો મને પૂછે છે કે તમે આ ઉંમરે બાઇક કઈ રીતે ચલાવો છો? ત્યારે હું તેમને કહું છું કે પાછળ બેસી જાઓ એટલે બતાવું. હું માનું છું કે શારીરિક ફિટનેસ મહત્ત્વની છે, પણ માનસિક ફિટનેસ એનાથી વધુ મહત્વની છે. બાઇક ચલાવું એટલે હું ફિટ, ન ચલાવું તો માંદો પડી જાઉં. હું મુંબઈથી કિલોંગ, જે લદ્દાખથી એક સ્ટેપ પહેલાં આવી જાય ત્યાં સુધી ફરી આવ્યો છું. એ પણ વધુ નહીં, ૧૦ વર્ષ પહેલાં. હમણાં થોડા સમય પહેલાં જ હું નાશિકથી આગળ તળોદા છે જે અહીંથી ૧૦૦૦ કિમી જેવું થાય હું ત્યાં બાઈક પર જઈ આવ્યો. હું સ્પિતિવૅલી પણ જઈ આવ્યો છું. રાજકોટની એક બાઇકિંગ ક્લબ છે મારી. એની સાથે પાંચેક વર્ષ પહેલાં હું બિર બિલિંગ, જે સ્પિતિ વૅલીથી ઉપરની તરફ છે ત્યાં ગયેલો. ત્યાં અમે પૅરા-ગ્લાઇડિંગ કરેલું. પૅરૅશૂટ લઈને સીધું ખીણમાં ભૂસકો મારવાનો અને ત્યારે તમે નીચે પડો એટલે પૅરૅશૂટ ખૂલે અને સીધું તમને ઉપર લઈ જાય. એટલો ગજબનો અનુભવ છે એ. મેં બધાને પરાણે કરાવ્યો. ડર અને આનંદ બંનેની ચરમસીમા એકસાથે ફીલ કરવી હોય તો આ એક ભૂસકો તો મારવો જ રહ્યો. મેં વાઘને જંગલમાં મારાથી થોડાંક ડગલાં દૂર બેઠેલો જોયો છે. જીવનની આ બધી જ મજા મને ખૂબ ગમે છે અને હું કરતો પણ રહું છું. એમાં મારી ઉંમર કે મારું સ્વાસ્થ્ય મને બાધ્ય બનતું નથી, ઊલટું એ વધુ ખીલે છે.’ 

મોતને હાથતાળી 
જીવનના બદલી નાખે એવા અનુભવો વિશે વાત કરતાં ટીકુ તલસાણિયા કહે છે, ‘હું આમ તો ઘણી વાર મોતને હાથતાળી દઈ ચૂક્યો છું. જ્યારે સ્પિતિવૅલી ગયેલો ત્યારે હું ચંદ્રતાલ લેક સુધી એકલો બાઇક લઈને ફરતો હતો. એ સમયે બાઇક સ્લિપ થઇ અને હું સીધો કાદવમાં પડ્યો. એમાં વમળ હતું એટલે હું ખૂંપી ગયો. જેટલો ઉપર આવવાની કોશિશ કરું એટલો અંદર ઘૂસતો જાવ. મને થયું કે હવે કંઈ નહીં થઈ શકે. પરંતુ થોડી વારમાં કોઈ એક બીજા બાઇકરે મને જોઈ લીધો અને તેણે મને બચાવ્યો. જ્યારે સ્ટ્રોક આવ્યો ત્યારે પણ કેટલાક લોકો હતા જેમણે મારા માટે પ્રાર્થનાઓ કરી. ફૅન્સ હતા જેઓ નિયમિત રીતે ભગવાનને અરજી કરી રહ્યા હતા અને એના ફળસ્વરૂપ હું બચી ગયો. આવા બનાવો તમને વધુ ને વધુ કૃતજ્ઞ બનાવે. જીવન પ્રત્યેની એક જુદી સમજ આપે છે.’ 

જલદી ફાઇવ
 શોખ : હું અત્યારે વાંસળી શીખું છું. ફોટોગ્રાફીનો મને ખૂબ શોખ છે. મારાં બાળકો જન્મ્યાં ત્યારથી લઈને અત્યાર સુધી મેં તેમના અઢળક ફોટા પાડ્યા છે. હજુ પણ વધુ સારી રીતે એ શીખવું છે. હું આર્ચરી એટલે કે ધનુષવિદ્યા પણ શીખું છું. હું પ્લીન્કિંગ કરું છું, જેમાં ઍરગનથી ટાર્ગેટ શૂટ કરવાના હોય. હું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પણ શીખી રહ્યો છું. ખૂબ મજા આવે છે.  
 ફૅન્સ સાથેની મોમેન્ટ : અમરીશ પુરીને ત્યાં તેમના દીકરાના લગ્ન હતાં અને મારો પહેલો ટીવી શો ‘યે જો હૈ ઝિંદગી’ હજુ નવો-નવો આવેલો જ હતો. જેવો સ્ટેજ પર ગયો કે છોકરાઓ મને જોઈને ખુશ થઈ ગયા. ઑટોગ્રાફ માટે પડાપડી થઈ ગઈ. એ દિવસે પહેલી વાર મેં ઑટોગ્રાફ આપ્યા. મને તો એ પણ નહોતું આવડતું. બસ, એ દિવસથી આજ સુધી લોકોનો પ્રેમ સતત મળી રહ્યો છે. 
 બકેટ લિસ્ટ : મારી બકેટ છલોછલ ભરેલી છે લિસ્ટથી. દુનિયામાં એવું કંઈ જ નથી, જે મારે ન કરવું હોય. બધે ફરી લેવું છે, બધું જોઈ લેવું છે, બધું અનુભવી લેવું છે અને બધું શીખી લેવું છે. કામની વાત કરું તો ડિરેક્શન કરવાનું મને ખાસ્સું મન છે. મારે નવા ઍક્ટર્સને ટ્રેઇન પણ કરવા છે. 
 અફસોસ :  બસ, એ જ મને કરતાં ન આવડ્યો. જીવનમાં નાના-મોટા અફસોસ હોય કે આ ફિલ્મ કેમ ન ચાલી, કે આમાં કામ કેમ ન મળ્યું, પણ એ બધા મનમાં વસી જાય એવા વસવસા નથી. જે પણ કર્યું છે એ બધું જ મજેદાર કર્યું છે એનો કોઈ જ અફસોસ નથી. 
 મૃત્યુનો વિચાર : મને એક જ વિચાર છે મગજમાં કે હું મરુ ત્યારે મેં શૂઝ પહેરેલા હોય. એટલે કે હું એ સમયે પણ એક ઍક્ટિવ લાઇફ જીવતો હોઉં. એ મારા માટે અત્યંત જરૂરી છે. 

tiku talsania bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news Jigisha Jain