બાપ હીરો બન્યો હતો બેટાની હીરોપંતી

03 August, 2012 06:32 AM IST  | 

બાપ હીરો બન્યો હતો બેટાની હીરોપંતી

૧૯૮૨માં જૅકી શ્રોફે સુભાષ ઘઈની ‘હીરો’ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી અને ઓવરનાઇટ સ્ટાર બની ગયેલો. હવે એવું જ તેના દીકરા ટાઇગર માટે પણ થાય એમ લાગે છે. સાજિદ નડિયાદવાલાની ‘હીરોપંતી’ નામની ફિલ્મથી જૅકીનો દીકરો ટાઇગર બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે બાપ-દીકરાના પહેલી ફિલ્મના ટાઇટલમાં રહેલું સામ્ય દેખીતું છે.

ઘણા મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી હતી કે જૅકીના પુત્તર ટાઇગરને કોણ લૉન્ચ કરશે? સુભાષ ઘઈ કે આમિર ખાન? જોકે ફાઇનલી એ કામ સાજિદની ફિલ્મથી થશે એવું લાગે છે.

‘કમબખ્ત ઇશ્ક’થી જાણીતો સબીર ખાન ટાઇગરની ફિલ્મ ડિરેક્ટ કરશે. આ વાત કન્ફર્મ કરતાં સબીર કહે છે, ‘હા, આ ફિલ્મનું ટાઇટલ હશે ‘હીરોપંતી’ અને ટાઇગર જે છોકરાની ભૂમિકા કરે છે તેના નામ પરથી ર્શીષક પડ્યું છે. તેનું પાત્ર સામાન્યતાથી પર છે. આપણી નૉર્મલ લાઇફમાં આપણે નક્કી થયેલા નિયમો અને રોજિંદી લઢણમાં ઢળી ગયેલા હોઈએ છીએ. કંઈક હટકે અને જુદું કરવાનું આપણને નથી ગમતું, પરંતુ ફિલ્મમાં તેને જે જોઈએ એ મેળવીને જ જંપે તેવા યુવકના રોલમાં ટાઇગર છે. અને આમેય તે જગ્ગુદાદાનો દીકરો છે એટલે આના જેટલું યોગ્ય ટાઇટલ બીજું કોઈ નહીં હોય. અમે હજી આ ફિલ્મની હિરોઇન ફાઇનલ કરી રહ્યા છીએ ને આગામી મહિનાથી ફિલ્મની શરૂઆત કરીશું.