01 September, 2024 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફ અને અક્ષયકુમારની ‘બડે મિયાં છોટે મિયાં’ આ વર્ષે રિલીઝ થઈ હતી અને બૉક્સ-ઑફિસ પર ખૂબ ખરાબ રીતે પિટાઈ હતી. આ જ કારણ છે કે ટાઇગરની આગામી ફિલ્મ ‘હીરો નંબર 1’ને બંધ કરવામાં આવી છે. વાશુ ભગનાણી અને જૅકી ભગનાણીએ ‘બડે મિયાં છોટે મિયાં’ને પ્રોડ્યુસ કરી હતી અને ‘હીરો નંબર 1’ને પણ તેઓ પ્રોડ્યુસ કરી રહ્યા હતા. જોકે ‘બડે મિયાં છોટે મિયાં’ ફ્લૉપ થતાં તેમનું પ્રોડક્શન-હાઉસ પૂજા એન્ટરટેઇનમેન્ટ દેવાદાર બની ગયું છે એથી તેમણે ફિલ્મને અત્યારે અભરાઈએ ચડાવી દીધી છે. ફિલ્મમાં દિશા પાટણી અને હૃતિક રોશનની કઝિન પશ્મિના રોશન લીડ રોલમાં હતી. આ ફિલ્મનું ૨૦ ટકા શૂટિંગ થયું હતું. ફિલ્મને યુરોપમાં શૂટ કરવાની હતી. એને મોટા બજેટની ઍક્શન-થ્રિલર બનાવવાની હતી. જોકે હવે પ્રોડક્શન-હાઉસ પાસે એટલા પૈસા નથી કે તેઓ ફિલ્મમાં વધુ ઇન્વેસ્ટ કરી શકે. એ ફિલ્મને ‘મિશન મંગલ’નો ડિરેક્ટર જગન શક્તિ ડિરેક્ટ કરી રહ્યો હતો, પરંતુ હવે તેણે અજય દેવગનની આગામી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. બીજી તરફ ટાઇગર ‘બાગી 4’માં દેખાવાનો છે અને એનું શૂટિંગ આ વર્ષનાં અંતે અથવા આવતા વર્ષે શરૂ થશે.