સલમાન ખાને આ પ્લૉટ ૧૨૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધો?

13 December, 2012 03:06 AM IST  | 

સલમાન ખાને આ પ્લૉટ ૧૨૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધો?

વરુણ સિંહ મુંબઈ, તા. ૧૩ સલમાન ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘દબંગ ૨’ની રિલીઝ પહેલાંના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે ચર્ચા છે કે તેણે સાંતાક્રુઝના લિન્કિંગ રોડ પર ૧૪,૦૦૦ સ્ક્વેરફૂટનો પ્લૉટ અંદાજે ૧૨૦ કરોડ રૂપિયાની કિંમતે ખરીદી લીધો છે. મળતી માહિતી પ્રમાણે પાર્થેશ બિલ્ડર અને સલમાન ખાન વચ્ચે ગયા મહિને આ ડીલ થઈ છે અને ટૂંક સમયમાં એનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ખબર પડી છે કે સલમાન આ જગ્યા પર વિશાળ ઑફિસ બનાવવા માગે છે. આ મુદ્દે બિલ્ડર સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. જોકે પછી એમાં સલમાનનું ઇન્વૉલ્વમેન્ટ હોવાનો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્વીકાર્યું કે આ મામલે ડીલ માટે તેની સલમાન સાથે વાતચીત ચાલી રહી છે. જોકે સાથે-સાથે તેણે સ્પષ્ટતા પણ કરી હતી કે તેની બીજા લોકો સાથે પણ વાતચીત ચાલી રહી છે. આ વિશે વાત કરતાં બિલ્ડર નીરવ શાહે કહ્યું હતું કે ‘હું આ પ્લૉટ વેચવાનું પ્લાનિંગ કરી રહ્યો છું અને આના માટે બીજા કેટલાક લોકો સાથે વાતચીત ચાલી રહી છે. જોકે હજી પૈસાની કોઈ લેવડદેવડ નથી થઈ.’ આ મામલે બિલ્ડર ભલે મગનું નામ મરી પાડવા તૈયાર ન હોય, પણ બાંદરા અને સાંતાક્રુઝ વિસ્તારના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો છાતી ઠોકીને કહે છે કે આ ડીલ થઈ ગઈ છે અને કેટલીક કિંમત ચૂકવાઈ પણ ગઈ છે. આ પ્લૉટ પર પહેલાં યાજ્ઞિક સોસાયટી નામનું ગ્રાઉન્ડ પ્લસ ત્રણ ફ્લોરવાળું અને ૧૬ ફ્લૅટ ધરાવતું બહુમાળી બિલ્ડિંગ હતું, જેને બિલ્ડરે લગભગ બે વર્ષ પહેલાં ખરીદી લીધું હતું. ત્યાર પછી તેણે આ જગ્યા ખાલી કરીને ડિમોલિશ કરી હતી. બિલ્ડરનો ઇરાદો આ જગ્યા પર નવું ઊંચું બિલ્ડિંગ બાંધવાનો હતો, પણ કોઈ કારણોસર એ શક્ય ન બનતાં તેણે આ પ્લૉટ વેચવાનો નિર્ણય લીધો હતો. સલમાનને આ પ્લૉટમાં રસ પડતાં તેણે ખરીદી લીધો છે અને તેનું આયોજન આગામી દિવસોમાં અહીં પોતાની ઑફિસ બનાવવાનું છે. બ્રોકરે આપેલી માહિતી પ્રમાણે આ પ્લૉટ લિન્કિંગ રોડને અડીને હોવાથી એકદમ મુખ્ય વિસ્તારમાં છે. તેણે કહ્યું હતું કે ‘આ જગ્યાની કમર્શિયલ વૅલ્યુ બહુ સારી છે. આના પર કન્સ્ટ્રક્શન થતાં એની વૅલ્યુ વધી જશે. આ બિલ્ડિંગ ૧૨ માળ ઊંચું હોઈ શકે છે અને ૨.૩૫ જેટલી મહત્તમ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સનો એમાં વપરાશ થઈ શકે છે.’ રસપ્રદ વાત તો એ છે કે સલમાને જે પ્લૉટ ખરીદી લીધો છે એનાથી તેના કટ્ટર હરીફ શાહરુખ ખાનની ઑફિસ માંડ ૧૦૦ મીટર દૂર છે. આ મુદ્દે વારંવાર પ્રયાસ કરવા છતાં સલમાન સાથે વાત થઈ શકી નહોતી, પણ તેની નજીકની વ્યક્તિએ આ વાતનો ઇનકાર કર્યો હતો.