મહિલાને એક થપ્પડ મારવી પણ તેની સાથે અન્યાય છે: સ્મૃતિ ઈરાની

11 February, 2020 10:26 AM IST  |  New Delhi

મહિલાને એક થપ્પડ મારવી પણ તેની સાથે અન્યાય છે: સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઇરાની

‘થપ્પડ’નાં વિષય પર પોતાનાં મંતવ્યો જણાવતાં કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે મહિલાને એક થપ્પડ મારવી પણ અયોગ્ય છે. અનુભવ સિંહાની આ ફિલ્મમાં તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળી રહી છે. ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં તાપસીની સાથે પવેલ ગુલાટી, દિયા મિર્ઝા, રત્ના પાઠક શાહ, તન્વી આઝમી અને માનવ કૌલ અગત્યની ભૂમિકામાં છે.

સ્ટોરીમાં દેખાડવામાં આવ્યુ છે કે તાપસીને તેનો પતિ બધાની સામે એક થપ્પડ મારે છે. એનાં કારણે તેનાં સ્વમાનને ઠેસ પહોંચે છે અને તે ડિવૉર્સ માગે છે. તાપસીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મહિલા તથા બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કૅપ્શન આપી હતી કે ‘તમારામાંથી ઘણાં લોકોએ સાંભળ્યુ હશે કે મહિલાઓને જ ઍડજસ્ટ કરવાનું હોય છે. કેટલા લોકો એમ માને છે કે મારપીટ માત્ર ગરીબ મહિલાઓનાં પતિ જ કરતા હોય છે. કેટલા લોકોને એવો વિશ્વાસ છે કે શિક્ષીત વ્યક્તિ કોઈનાં પર હાથ નથી ઉઠાવતો. કેટલી મહિલાઓ તેમની દીકરીઓને અને પુત્રવધૂઓને એમ કહે છે કે આવુ તો ચાલ્યા કરે અમારી સાથે પણ આવુ થયુ હતું, પરંતુ આજે તો અમે ખૂબ ખુશ છીએ. જોકે હું કેટલાક ડિરેક્ટરનાં પૉલિટિકલ દૃષ્ટિકોણને ટેકો નથી આપતી અથવા તો કેટલાક ઇશ્યુ પર કેટલાક ઍક્ટર્સની વિચારધારા સાથે પણ હું સહમત નથી. જોકે આ એક એવી સ્ટોરી છે જેને હું અચુક જોવા જઈશ. આશા રાખુ છું કે લોકો પણ ફૅમિલીઝ સાથે આ ફિલ્મ જોવા જાય. મહિલા સાથે મારપીટ કરવી એ યોગ્ય નથી. એક થપ્પડ મારવી પણ તેની સાથે અન્યાય છે. એક પણ થપ્પડ ન મારવી જોઈએ.’

smriti irani taapsee pannu bollywood news