...તો ડૉન ફિલ્મમાં દેવ આનંદ હીરો તરીકે જોવા મળ્યા હોત!

20 January, 2020 12:06 PM IST  |  Mumbai Desk | Aashu Patel

...તો ડૉન ફિલ્મમાં દેવ આનંદ હીરો તરીકે જોવા મળ્યા હોત!

યસ, અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘ડૉન’ની સ્ક્રિપ્ટ લઈને સલીમ-જાવેદ પહેલાં દેવ આનંદ પાસે ગયા હતા, પણ તેમણે એ સ્ક્રિપ્ટ ફગાવી દીધી હતી. તેમને એ સ્ક્રિપ્ટ વાહિયાત લાગી હતી!

‘ડૉન’ ફિલ્મનું ખઈકે પાન બનારસવાલા ગીત દેવ આનંદની ફિલ્મ માટે બન્યું હતું, પણ તેમને એ ગીત પણ ઘટિયા લાગ્યું હતું!
દેવ આનંદની ‘બનારસી બાબુ’ ફિલ્મ માટે ‘ખઈકે પાન બનારસવાલા’ ગીત કલ્યાણજી-આણંદજીએ કમ્પોઝ કર્યું હતું, પણ ‘બનારસી બાબુ’ના હીરો દેવ આનંદે એવું કહીને ગીત રિજેક્ટ કરી નાખ્યું હતું કે આવું ‘સડકછાપ’ ગીત હું નહીં કરું!
દેવ આનંદે ‘ડૉન’ની સ્ક્રિપ્ટ ફગાવી દીધી એ પછી ચંદ્ર બારોટે અમિતાભને એ સ્ક્રિપ્ટ સંભળાવી હતી અને અમિતજીએ એ ફિલ્મ સ્વીકારી લીધી હતી અને ચંદ્ર બારોટે હિરોઇન તરીકે ઝીનત અમાનને સાઇન કરી હતી.
અમિતાભ અને ઝીનત અમાનને હીરો-હિરોઇન તરીકે લઈને ‘ડૉન’ બનાવી લીધી એ પછી તેમણે એ ફિલ્મ પોતાના ગૉડફાધર એવા ઍક્ટર-ફિલ્મમેકર મનોજકુમારને બતાવી. મનોજકુમારે એ ફિલ્મનો સ્પેશ્યલ શો જોઈને ચંદ્ર બારોટની પીઠ થાબડતાં કહ્યું કે યુ હૅવ ડન અ ગ્રેટ જૉબ, પણ ફિલ્મમાં ઇન્ટરવલ પછી એક ધમાકેદાર ગીત નાખી દે તો તારી ફિલ્મ સુપરહિટ થઈ જશે. 
ગૉડફાધર મનોજકુમારની એ સલાહ સાંભળીને ચંદ્ર બારોટ ફિલ્મના સંગીતકાર કલ્યાણજી-આણંદજી પાસે દોડ્યા. એ વખતે કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈ સ્ટેજ-શો માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા એટલે તેમણે કહ્યું કે છેલ્લી ઘડીએ નવું ગીત કમ્પોઝ કરવું તો મુશ્કેલ છે, પણ અમારી પાસે કેટલાંક ગીતો પડી રહ્યાં છે એમાંથી કોઈ ગીતનો ઉપયોગ કરવો હોય તો અમે તમને એમાંનું કોઈ ગીત આપી શકીએ.
તેમની પાસે જે કેટલાંક ગીત તૈયાર પડ્યાં હતાં એમાં એક ગીત દેવ આનંદની ‘બનારસી બાબુ’ ફિલ્મ માટે બનાવેલું પણ હતું. એ ગીત પડી રહ્યું છે એનો ઉપયોગ કરવો હોય તો અમને વાંધો નથી, કેમ કે એ ગીત દેવ આનંદે રિજેક્ટ કરેલું છે એટલે એ રેકૉર્ડ કરેલું ગીત એમ જ પડી રહ્યું છે.
ચંદ્ર બારોટે મજબૂરીને કારણે તેમની એ ઑફર સ્વીકારી લેવી પડી. 
અને એ રીતે કલ્યાણજી-આણંદજીએ સંગીતબદ્ધ કરેલું અને કિશોરકુમારે ગાયેલું એ ગીત ‘ડૉન’ ફિલ્મમાં ઉમેરાયું.
એ ગીત માટે ‘ડૉન’ ફિલ્મમાં એવી સિચુએશન ઊભી કરાઈ કે અમિતાભ અને ઝીનત અમાન પોલીસથી બચવા ભાગી રહ્યાં છે અને એક જગ્યાએ ભાંગની મહેફિલ જામી છે ત્યાં ઘૂસી જાય છે અને એ સ્થાનિક લોકોની સાથે અમિતાભ ખઈકે પાન બનારસવાલા ગીત ગાય છે.
‘ડૉન’ ફિલ્મ રિલીઝ થઈ અને સુપરહિટ થઈ ગઈ. એ ફિલ્મનાં બીજાં ગીતો પણ હિટ થયાં, પણ ‘ખઈકે પાન બનારસવાલા’ તો સૌથી વધુ હિટ થઈ ગયું! ઘણા પ્રેક્ષકો તો એ ગીત જોવા માટે ખાસ ફરી વાર ફિલ્મ જોવા જતા હતા!
આમ દેવ આનંદે જેને ‘સડકછાપ’ ગણાવ્યું હતું, કલ્યાણજી આણંદજી પાસે જે ગીત એમ જ પડી રહ્યું હતું અને ચંદ્ર બારોટે જેનો મજબૂરીથી ‘ડૉન’ ફિલ્મમાં સમાવેશ કર્યો હતો એ ગીત સુપરહિટ થઈ ગયું!

bollywood dev anand bollywood gossips bollywood news