19 June, 2026 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધી ઇન્ડિયા સ્ટોરીનું પોસ્ટર
ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ જેવા ગંભીર મુદ્દા પર બનેલી ધી ઇન્ડિયા સ્ટોરી ૨૪ જુલાઈએ આવી રહી છે
કાજલ અગરવાલ અને શ્રેયસ તલપડે ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘ધી ઇન્ડિયા સ્ટોરી’માં જોવા મળશે. હાલમાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ કરવામાં આવ્યો છે. ‘ધી ઇન્ડિયા સ્ટોરી’ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ જેવા ગંભીર અને ચિંતાજનક મુદ્દા પર આધારિત છે અને એ એક શક્તિશાળી કોર્ટરૂમ ડ્રામા તરીકે રજૂ થવાની છે. ફિલ્મના જાહેર કરાયેલા પોસ્ટરમાં શ્રેયસ તલપડે એક બીમાર નાની બાળકી સાથે જોવા મળે છે અને તેની પાછળ બૉમ્બે હાઈ કોર્ટનું દૃશ્ય જોવા મળે છે.
પોસ્ટરમાં વિટનેસ બૉક્સમાં એક પેસ્ટિસાઇડનું સિલિન્ડર પણ રાખવામાં આવ્યું છે જે ફિલ્મમાં કાનૂની લડત અને ભેળસેળના મુદ્દા વચ્ચેના સંબંધનો સંકેત આપે છે. ‘ધી ઇન્ડિયા સ્ટોરી’માં બતાવાશે કે આ સમસ્યા દેશભરના લાખો પરિવારોના આરોગ્ય અને જીવનને કેવી રીતે અસર કરે છે. નિર્માતાઓનો ઉદ્દેશ્ય લોકોમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દા વિશે જાગૃતિ લાવવાનો છે જેને ઘણી વખત અવગણવામાં આવે છે. ‘ધી ઇન્ડિયા સ્ટોરી’ ૨૪ જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે અને હિન્દી, તેલુગુ અને તામિલ ભાષાઓમાં એકસાથે રજૂ કરવામાં આવશે.
આ દિવસે કુણાલ ખેમુની વાઇબ પણ રિલીઝ થવાની હોવાના કારણે બૉક્સ ઑફિસ પર પારિવારિક ટક્કર થશે
કરીના કપૂર ખાન છેલ્લે ૨૦૨૪માં આવેલી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’માં મોટા પડદા પર જોવા મળી હતી. હવે લગભગ બે વર્ષ બાદ તે ડિરેક્ટર મેઘના ગુલઝારની ‘દાયરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના સાથે મલયાલમ સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન જોવા મળશે. ગઈ કાલે ફિલ્મના નિર્માતાઓએ એક ખાસ બિહાઇન્ડ-ધ-સીન્સ વિડિયો શૅર કરીને ફિલ્મની રિલીઝ-તારીખની જાહેરાત કરી હતી. કરીનાએ સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘આ ફિલ્મ ખરેખર યાદગાર બનવાની છે. ‘દાયરા’ના પડદા પાછળની કેટલીક અનોખી અને અદૃશ્ય ક્ષણોની ઝલક. ‘દાયરા’ ૨૦૨૬ની ૧૮ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.’
ખાસ વાત તો એ છે કે ૧૮ સપ્ટેમ્બરે કરીનાના નણદોઈ કુણાલ ખેમુની ફિલ્મ ‘વાઇબ’ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. બન્ને ફિલ્મોની રિલીઝમાં હજુ લગભગ ત્રણ મહિના બાકી છે એટલે અંતિમ ક્ષણે કોઈ એક ફિલ્મની તારીખ બદલવામાં આવે છે કે બન્ને ફિલ્મો સીધી ટક્કર લે છે એ જોવું રસપ્રદ રહેશે.