કિશોરકુમારના ગાર્ડે ઋષિકેશ મુખરજીને તગડી મૂક્યા હતા!

13 March, 2020 01:31 PM IST  |  Mumbai Desk | Ashu Patel

કિશોરકુમારના ગાર્ડે ઋષિકેશ મુખરજીને તગડી મૂક્યા હતા!

આનંદ

ઋષિકેશ મુખરજીની ક્લાસિક ફિલ્મ ‘આનંદ’ની ઘણી મજેદાર વાતો જાણવા જેવી છે.

એ ફિલ્મ માટે ઋષિદાની પ્રથમ પસંદ રાજ કપૂર હતા, પણ તેમને એ ફિલ્મમાં લેવાનો આઇડિયા ડ્રૉપ કર્યા પછી ઋષિદાએ કિશોરકુમારને હીરો તરીકે પસંદ કર્યા હતા. કિશોરકુમારે એ ફિલ્મ કરવાની હા પણ પાડી દીધી હતી અને એ ફિલ્મનું થોડા સમયમાં શૂટિંગ શરૂ થવાનું હતું, પરંતુ એ દરમિયાન એવી ઘટના બની કે કિશોરકુમારે એ ફિલ્મ ગુમાવી દેવી પડી.
બન્યું હતું એવું કે કિશોરકુમારે એક બંગાળી પ્રોડ્યુસર સાથે એક સ્ટેજ શો કર્યો હતો. તે પ્રોડ્યુસરે કિશોરકુમારને સ્ટેજ શો માટે પૈસા આપવાના બાકી હતા. તે પૈસા આપવામાં આનાકાની કરી રહ્યો હતો અને સમય ખેંચી રહ્યો હતો. એક વખત કિશોરકુમાર તેને મળવા ગયા અને બન્નેની વચ્ચે ઝઘડો થઈ ગયો. કિશોરકુમાર ગુસ્સે થઈને ઘરે પાછા આવી ગયા. તેમણે તેમના બંગલામાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા માણસને કહ્યું કે કોઈ બંગાળી મને મળવા આવે તો તેને ભગાવી દેજે.
કિશોરકુમાર ઘરમાં ગયા અને થોડી વાર પછી જ ઋષિદા ‘આનંદ’ ફિલ્મ વિશે કેટલીક ચર્ચા કરવા માટે કિશોરકુમારના બંગલે પહોંચ્યા ત્યારે ઋષિદાને ન ઓળખતા ગાર્ડે ઉદ્ધતાઈથી કહી દીધું કે ‘સા’બ નહીં મિલેંગે. તુમ વાપસ ચલે જાઓ!’
ઋષિદાએ તેને સમજાવવાની કોશિશ કરી કે ‘ભાઈ, હું ફિલ્મ બનાવી રહ્યો છું અને કિશોરકુમાર મારી એ ફિલ્મના હીરો છે. મારે તેમની સાથે ચર્ચા કરવા માટે અંદર જવું છે. બહુ અગત્યનું કામ છે.’
ગાર્ડે કહ્યું કે મારે કંઈ સાંભળવું જ નથી. તમે ચાલ્યા જાઓ અને તેણે ઋષિકેશ મુખરજી સાથે બદતમીઝીથી વાત કરીને તેમને તગડી મૂક્યા.
ઋષિદા બહુ જ નારાજ થઈ ગયા અને તેમણે એ જ વખતે નિશ્ચય કરી લીધો કે હવે કિશોરકુમાર આ ફિલ્મના હીરો નહીં હોય.
પછી કિશોરકુમારને જ્યારે એ વાતની જાણ થઈ કે તેમના ગાર્ડે ઋષિદાને તોછડાઈથી વાત કરીને તેમના બંગલાના દરવાજાની બહારથી જ ભગાવી દીધા હતા ત્યારે કિશોરકુમારે પોતાના માથા પર હાથ પછાડ્યા અને ગાર્ડને નોકરીમાંથી તગડી મૂક્યો!
‘આનંદ’ ફિલ્મની આવી તો અઢળક વાતો છે, પણ કિશોરકુમારને એ ફિલ્મ ગુમાવવાનો વધુ અફસોસ એટલે પણ થયો હશે કે એ ફિલ્મનાં ગીતો અદ્ભુત રીતે સફળ થયાં હતાં. એ ફિલ્મ માટે યોગેશે લખેલું અને મુકેશે ગાયેલું પાંચ મિનિટ બાવન સેકન્ડનું ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે...’, ગુલઝારે લખેલું અને મુકેશે ગાયેલું ત્રણ મિનિટ નવ સેકન્ડનું ગીત ‘મૈને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને...’, યોગેશે લખેલું અને મન્ના ડેએ ગાયેલું ત્રણ મિનિટ તેત્રીસ સેકન્ડનું ગીત ‘જિંદગી કૈસી હે યે પહેલી હાયે...’, યોગેશે લખેલું અને લતા મંગેશકરે ગાયેલું ત્રણ મિનિટ અડતાળીસ સેકન્ડનું ગીત ‘કહી દૂર જબ દિન ઢલ જાયે...’ તથા લતા મંગેશકરે ગાયેલું ત્રણ મિનિટ બાવીસ સેકન્ડનું ‘ના જીયા લાગે ના...’ એ તમામ ગીતો સુપરહિટ સાબિત થયાં હતાં અને રાજેશ ખન્નાને એક વખત પુછાયું હતું કે તમારી જિંદગીનું કયું ગીત સૌથી વધુ ફેવરિટ છે ત્યારે રાજેશ ખન્નાએ આંખ મીંચીને કહ્યું હતું કે મુકેશે ‘આનંદ’ ફિલ્મ માટે ગાયેલું ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે...’ ગીત મારું સૌથી વધુ ફેવરિટ સૉન્ગ છે.
વિચાર કરો કિશોરકુમારને ‘આનંદ’ ફિલ્મમાં અભિનયની સાથે આ ગીત કે એ ફિલ્મનું અન્ય કોઈ ગીત (કે અનેક ગીતો) ગાવાની તક મળી હોત! પણ પોતાના ગુસ્સાના કારણે અને ગાર્ડના વર્તનને કારણે કિશોરકુમારે એ ફિલ્મ ગુમાવવી પડી હતી!

ashu patel bollywood bollywood news bollywood gossips kishore kumar