19 January, 2024 06:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૈટરીના કૈફ
કૅટરિના કૈફની ‘મેરી ક્રિસમસ’માં જે એન્ડ દેખાડવામાં આવ્યો છે એ પહેલાં નહોતો. એને છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યો હતો. ફિલ્મના એન્ડમાં ડાયલૉગ્સ હતા, પરંતુ બાદમાં ડિરેક્ટર શ્રીરામ રાઘવને એને બદલી નાખ્યો હતો. આ ફિલ્મમાં કૅટરિનાની સાથે વિજય સેતુપતિ પણ જોવા મળી રહ્યો છે. કૅટરિનાને પૂછવામાં
આવ્યું હતું કે શું આ ફિલ્મના ક્લાઇમૅક્સમાં પર્યાયી એન્ડ હતો? એનો જવાબ આપતાં કૅટરિનાએ કહ્યું કે ‘હા, એ સીનમાં ડાયલૉગ્સ હતા. શ્રીરામ સર ફિલ્મના મોટા ભાગના સીનમાં સેટ પર બદલાવ કરે છે. એક દિવસ પહેલાં અમે એ સીન શૂટ કરવા માટે ભેગાં થયાં હતાં. અમે રિહર્સલ કર્યાં હતાં. એ જ વખતે તેમણે અમને જણાવ્યું કે તેમની પાસે એ સીનનું ઑલ્ટરનેટ વર્ઝન પણ છે અને એ સીનને તેઓ ડાયલૉગ્સ વગર શૂટ કરવા માગે છે. તેમણે આખો સીન અમને વર્ણવ્યો હતો. એક ક્ષણ માટે તો હું સ્તબ્ધ થઈ ગઈ હતી અને એની વિરુદ્ધમાં હતી. આમ છતાં અમે તેમના દૃઢ વિશ્વાસ સાથે આગળ વધ્યાં. અમે એ સીનનું શૂટિંગ જ્યારે શરૂ કર્યું તો હું એ સીનની સુંદરતાનો એહસાસ અનુભવી રહી હતી. એ સીન પ્યૉર ઇમોશન્સ, ત્યાગ વિશેનો હતો કે મારું કૅરૅક્ટર જે પરિસ્થિતિમાંથી પસાર થયું છે આમ છતાં કઈ રીતે કોઈ તેની સાથે સારું વર્તન કરી શકે છે. તેમ જ વિજયના પાત્રનું રિડેમ્પ્શન પણ એમાં જોવા મળ્યું હતું. એ અગત્યની ક્ષણો હતી કે જેને માત્ર હાવભાવ દ્વારા હાઇલાઇટ કરવામાં આવી હતી.’
સાથે જ કૅટરિનાને પૂછવામાં આવ્યું હતું કે શું આ ફિલ્મની સીક્વલને ‘હૅપી હોલી’ કે પછી ‘હૅપી દિવાલી’ના નામે બનાવવામાં આવશે? એનો જવાબ નામાં આપતાં કૅટરિનાએ કહ્યું કે ‘આ વાત તો શ્રીરામ સર જાણે. બાકી હું તો ચોક્કસ ના કહીશ. અહીં આ ફિલ્મની સ્ટોરી પૂરી થાય છે. સર આ ફિલ્મમાં આટલું જ કહેવા માગતા હતા. તેઓ ખૂબ ઉત્સુક ફિલ્મમેકર્સમાંના એક છે. તેઓ જે પણ ફિલ્મ બનાવે છે એ નવી અને સરપ્રાઇઝથી ભરપૂર હોય છે.’