વિદ્યા સામે રિકી બહલ પડ્યો ટૂંકો

13 December, 2011 08:53 AM IST  | 

વિદ્યા સામે રિકી બહલ પડ્યો ટૂંકો



ગયા ડિસેમ્બરે આ જ સમયે બૉલીવુડમાં ત્રણ નામ ગુંજી રહ્યાં હતાં. ડિરેક્ટર મનીષ શર્મા, અનુષ્કા શર્મા અને રણવીર સિંહ. તેમની ‘બૅન્ડ બાજા બારાત’ એ વર્ષની સૌથી મોટી સરપ્રાઇઝ હતી અને ફિલ્મને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો હતો. જોકે એ જ જાદુ આ વર્ષે ચાલી નથી શક્યો એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય. લગભગ એ જ આખી ટીમ અને એમાં થોડા ઉમેરાઓ સાથેની ‘લેડીઝ વર્સસ રિકી બહલ’ ઍવરેજ ઓપનિંગ મેળવી શકી છે. બીજી બાજુ ‘ધ ડર્ટી પિક્ચર’નો જાદુ હજી આ અઠવાડિયે પણ ચાલુ રહ્યો હતો અને બે ફિલ્મો રિલીઝ થઈ હોવા છતાં વિદ્યાનો જાદુ હજી યથાવત્ છે.

‘લેડીઝ વર્સસ રિકી બહલ’ના આ પર્ફોર્મન્સ અને એનાં કારણો વિશે ટ્રેડના વિશેષજ્ઞ અમોદ મેહરા કહે છે, ‘યુથને અપીલ કરતી ફિલ્મ પહેલા ત્રણ દિવસમાં લગભગ સોળ કરોડ રૂપિયાની કમાણી કરે એ સારી ન જ ગણી શકાય. ફિલ્મ ચોરી પરની હોય એવું ઇન્ટરવલ પછી લાગતું જ નથી અને એ જ તેનો સૌથી મોટો માઇનસ-પૉઇન્ટ છે. આ ઉપરાંત સંગીત પણ દયાજનક છે. આ ફિલ્મમાં તો હિરોઇન ઇન્ટરવલ પહેલાં માંડ-માંડ આવે છે. ગઈ કાલે સોમવારે ફિલ્મના શોમાં ઘણા ઓછા પ્રેક્ષકો જોવા મળ્યા હતા. આ ફિલ્મનું ટકી રહેવું મુશ્કેલ છે. જોકે નાનું બજેટ હોવાથી યશરાજ ફિલ્મ્સને નુકસાન તો નહીં જ થાય.’

મરાઠા મંદિરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ દેસાઈ કહે છે, ‘કોઈ લેડીઝ કે રિકી બહલ ફિલ્મ જોવા નથી ગયાં. ફિલ્મનો એક પણ શો હાઉસફુલ નહોતો થયો.’

જોકે ‘ધ ડર્ટી પિક્ચર’ હજી ઘણો સારો પર્ફોર્મન્સ આપી રહી છે એમ જણાવતાં અમોદ મેહરા કહે છે, ‘બીજા વીક-એન્ડમાં ૧૬-૧૭ કરોડ રૂપિયાની કમાણી કોઈ રીતે ઓછી ન કહી શકાય. આ ફિલ્મ સુપરહિટ તો છે જ. રવિવાર સુધીમાં ફિલ્મને કુલ ૬૮ કરોડ રૂપિયાની કમાણી થઈ છે.’