10 June, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કમલ હાસન
કમલ હાસને પોતાની ફિલ્મ ‘ઠગ લાઇફ’ના પ્રમોશન વખતે ‘કન્નડા ભાષા તામિલમાંથી ઉદ્ભવી છે’ એવું નિવેદન આપતાં મોટો વિવાદ થયો હતો. હવે તેણે આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન હિન્દી ભાષાને બિન-હિન્દીભાષી રાજ્યોમાં થોપવા વિરુદ્ધ ખૂલીને વાત કરી છે. તેણે ભારતમાં ભાષાકીય સ્વતંત્રતાનું સમર્થન કરતાં કહ્યું કે અંગ્રેજી, સ્પૅનિશ કે ચાઇનીઝ જેવી વૈશ્વિક ભાષાઓ શીખવી વધુ સરળ અને વ્યવહારુ છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે હિન્દીને બિન-હિન્દીભાષી રાજ્યોમાં થોપવાના પ્રયાસનો વિરોધ કર્યો અને કહ્યું હતું કે ‘હું પંજાબ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશની સાથે ઊભો છું. આ માત્ર તામિલનાડુની વાત નથી, પરંતુ હિન્દી થોપવાનો વિરોધ ઘણી જગ્યાએ થઈ રહ્યો છે. ભારતમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા માટે અંગ્રેજી સૌથી વ્યવહારુ ભાષા છે. આપણી પાસે ૩૫૦ વર્ષના અંગ્રેજી શિક્ષણનો ઇતિહાસ છે. અચાનક હિન્દી થોપવાથી તામિલનાડુમાં ઘણા લોકો અશિક્ષિત થઈ જશે. તમે સ્પૅનિશ કે ચાઇનીઝ પણ શીખી શકો છો, પરંતુ અંગ્રેજી સૌથી સરળ શૉર્ટકટ છે. જો તમે કહો કે હિન્દી શીખ્યા વગર નોકરી નહીં મળે તો લોકો સવાલ ઉઠાવશે કે મારી ભાષાનું શું? શું હું બાવીસ સત્તાવાર ભાષાઓમાંથી એકનો ભાગ નથી? હું પણ હિન્દી સિનેમાનો ભાગ રહ્યો છું, પણ એ થોપવું ખોટું છે.’
આ પહેલાં પણ કમલે હિન્દી થોપવાનો વિરોધ કર્યો હતો. ૨૦૧૯માં જ્યારે ગૃહપ્રધાન અમિત શાહે હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે પ્રોત્સાહન આપવાની વાત કરી હતી ત્યારે કમલે કહ્યું હતું કે કોઈ શાહ, સુલતાન કે સમ્રાટ અમારી ભાષા અને સંસ્કૃતિની રક્ષાનું વચન તોડી ન શકે.