લોકડાઉન વચ્ચે ટેરેન્સ લુઇસે વૉચમેન માટે ખીચડી બનાવી

26 March, 2020 06:40 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

લોકડાઉન વચ્ચે ટેરેન્સ લુઇસે વૉચમેન માટે ખીચડી બનાવી

ટેરેન્સ લુઇસ

અનેક ફિલ્મોમાં કોરીયોગ્રાફી કરી ચુકેલો અને અઢળક રિઅલિટી ડાન્સ શોના જજ રહી ચુકેલો ટેરેન્સ લુઇસ પોતાની નૈતિક જવાબદારીમાં પણ જરા સરખો પાછળ હટ્યો નથી. ટેરેન્સ જે અપાર્ટમેન્ટમાં રહે છે એ અપાર્ટમેન્ટના વૉચમેનને ડીનર નહીં મળતાં ટેરેન્સ તેની માટે મસાલા ખીચડી અને છાસનું ડીનર જાતે તૈયાર કર્યુ હતું. બન્યું એમાં એવું કે ટેરેન્સને ખબર પડી કે તેના વૉચમેનને ડીનર મળવાનું નથી. કોરોનાના કારણે લોકડાઉન છે એ તો જગજાહેર છે પણ લોકડાઉનમાં ફૂડ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવતાં અને ટિફિન સર્વિસ પણ બંધ થઈ જતાં વૉચમેન વેફર્સ ખાઈને પેટ ભરતો હતો. ટેરેન્સે આ જોયું અને વાત કરી તો તેને હાલાકીની ખબર પડી, તેણે તરત જ વૉચમેનની પરમિશન લઈને એની માટે ખીચડી મૂકી દીધી. ટેરેન્સે કહ્યું હતું ‘આમાં કોઈ મોટી વાત નથી. દરેકે પોતાની જવાબદારી સમજવાનો આ સમય છે. મને ખીચડી અને બીજી બેચાર આઇટમ બનાવતાં આવડે છે જે ફટાફટ બની જાય. એ લોકો ત્રણ જણાં હતાં. એ ત્રણ અને હું ચાર. મારે જમવાનું બાકી જ હતું, ફટાફટ ખીચડી તૈયાર થઈ ગઈ અને એ લોકોને પણ ભાવી.’

મંગળવાર રાતની આ વાત છે. ટેરેન્સે એ લોકોને કહ્યું પણ છે કે હવે ટિફિન ન આવે તો કોઈએ ગભરાવાની જરૂર નથી, તે આ જ રીતે ફૂડ બનાવશે અને બધા સાથે જમશે. કહેવાની જરૂર ખરી કે ટેરેન્સની ખીચડીના કરતાં પણ એની આ જે હમદર્દી હતી એનો સ્વાદ વૉચમેનને સ્પર્શી ગયો હતો.

terence lewis bollywood news covid19 coronavirus