શાહરૂખે અમદાવાદ ગાંડુ કર્યું, સાથે પત્રકારોને માર્યો ટોણો

13 October, 2014 04:02 AM IST  | 

શાહરૂખે અમદાવાદ ગાંડુ કર્યું, સાથે પત્રકારોને માર્યો ટોણો





‘હૅપી ન્યુ યર’ના પ્રમોશન માટે ગઈ કાલે અમદાવાદ અને ગાંધીનગર આવેલા શાહરુખ ખાને પત્રકારો સાથે વાતની શરૂઆત કરતાં પહેલાં મજાકમાં કહ્યું હતું કે ‘આજકાલ પત્રકારોને ગુસ્સો બહુ આવી જાય છે... બહુ જાળવીને બોલવું પડે છે. આજે કોઈ વાતનો ગુસ્સો આવે તો પહેલેથી કહી દેજો.’

આ અગાઉ શાહરુખ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના પ્રમોશન માટે દોઢ વર્ષ પહેલાં અમદાવાદ આવ્યો હતો. શાહરુખે કહ્યું હતું કે ‘આ દોઢ વર્ષમાં અમદાવાદમાં કોઈ ચેન્જ નથી આવ્યો, પણ મારામાં ચેન્જ આવ્યો છે. ડિરેક્ટર ફારાહ ખાનને કારણે હું એઇટ-પૅક થયો.’

શાહરુખ સાથે અમદાવાદ આવેલા કિંગ ખાનના કો-સ્ટાર બમન ઈરાનીએ પત્રકારો સાથે ગુજરાતીમાં વાત કરી હતી. જે વખતે શાહરુખે એઇટ-પૅકની વાત કરી ત્યારે બમને તેને અટકાવીને બધાને કહ્યું હતું કે ‘તેની પાસે એઇટ-પૅક છે તો મારી પાસે પણ પૅક છે... મારા પૅકનું નામ છે ઢોકળા-પૅક...’

ગુજરાતીમાં વાત કરી રહેલા બમનને કિંગ ખાને અટકાવીને ગુજરાતી શબ્દનો અર્થ પૂછ્યો ત્યારે બમને અર્થ કહેવાને બદલે શાહરુખ સાથે મસ્તી કરતાં કહ્યું હતું કે ‘આ બે ગુજરાતીની વાતો ચાલી રહી છે. પ્લીઝ, અમને ડિસ્ટર્બ નહીં કરો.’

બમને ત્યારે એવી પણ મજાક કરી હતી કે હવે ગુજરાતીઓનું રાજ ચાલે છે એટલે કોઈ ડિસ્ટર્બ કરે એ અમને ગમતું નથી. જવાબમાં શાહરુખે સૉરી કહીને કહ્યું હતું કે ‘ઓહ, ફરગોટ... આઇ ઍમ ઑન ગુજ્જુ-લૅન્ડ. સૉરી, પ્લીઝ કન્ટિન્યુ...’

રાતે શૂટિંગ જેઠાલાલ સાથે...

ગઈ કાલે અમદાવાદ અને ગાંધીનગર આવેલા શાહરુખે શનિવારે રાતે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્પેશ્યલ એપિસોડનું શૂટિંગ કર્યું હતું. શાહરુખે ગઈ કાલે કહ્યું હતું કે ‘મને હમણાં ખબર પડી કે એ સિરિયલ પણ ગુજરાતી રાઇટર તારક મહેતાની સિરીઝનું અડૉપ્શન છે. હૅટ્સ ઑફ. ગુજરાતીઓ જે રીતે બિઝનેસમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે એ જ રીતે હવે બધા ફીલ્ડમાં તેમની માસ્ટરી પુરવાર કરી રહ્યા છે.’

ગુજરાતીઓ માન આપવા માટે નામની પાછળ ‘ભાઈ’ અને ‘બહેન’ લગાવતા હોય છે એ વાતની નોંધ શાહરુખના મનમાં વષોર્થી સ્ટોર થયેલી છે. શાહરુખે ગઈ કાલે કહ્યું હતું કે ‘દુનિયાઆખીમાં મને શાહરુખભાઈ માત્ર ગુજરાતીઓ કહે છે. જ્યારે પણ કોઈના મોઢે શાહરુખભાઈ સાંભળું ત્યારે સમજી જાઉં કે એ ગુજરાતી જ છે. અત્યાર સુધીમાં જેટલી વખત શાહરુખભાઈ સાંભળ્યું છે એટલી વખત મેં સામે ‘કેમ છો?’ પૂછ્યું જ છે... એ બાબતમાં બરાક ઓબામા મારાથી પાછળ છે. તેઓ અત્યારે કેમ છો બોલતા શીખ્યા, મને એ પહેલાં આવડી ગયું હતું...’