તનુજા અને શોમુ મુખરજીએ અલગ થયા પછી પણ પુત્રીઓની સહિયારી જવાબદારી નિભાવી

20 September, 2026 01:33 PM IST  |  Mumbai | Rajani Mehta

તનુજાની ફિલ્મી સફર, કિશોરકુમાર અને સંજીવકુમાર સાથેની યાદો, ગુરુદત્ત પાસેથી મળેલું અભિનયનું માર્ગદર્શન અને પુત્રીઓ કાજોલ-તનીશા સાથેનો સંબંધ આ લેખમાં જાણવા મળે છે. ૭૦ વર્ષની ઉંમરે પણ તનુજાની બોલ્ડ અદા ચર્ચામાં રહી.

તનુજા, કાજોલ અને તનીશા મુખર્જી

દુનિયા કહતી મુઝકો પાગલ 
મૈં સમઝુ દુનિયા હૈ પાગલ
કિશોરકુમાર આ જ તર્ક સાથે પૂરી જિંદગી જીવ્યા. તેમના વિશે ઘણી ગેરસમજ ફેલાયેલી હતી. તેમના ધૂની સ્વભાવની, ન સમજાય એવી હરકતોની અને ૪ લગ્ન વિશેની અનેક વાતોમાં હકીકત ઓછી અને ગૉસિપ વધારે હતી. કિશોરકુમાર વિશે થોડાં વર્ષો પહેલાં મેં લગભગ ૯૦ અઠવાડિયાં લગાતાર લખીને અસલી કિશોરદાના સંવેદનશીલ કિસ્સાઓ સંગીતપ્રેમીઓ સાથે શૅર કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં તનુજા સાથી કલાકાર કિશોરકુમારને યાદ કરતાં કહે છે... 
ફિલ્મ ‘દો દૂની ચાર’ (જે શેક્સપિયરના નાટક Comedy of Errors પર આધારિત હતી)ના સેટ પર અમે કિશોરદાની રાહ જોતા બેઠા હતા. તેઓ આવ્યા અને મારી બાજુમાં બેસીને કહે, કૈસી હૈ તનુ? મેં કહ્યું, ઠીક હૂં પર આપ ક્યૂં દેર સે આએ? તો કહે, ઘર મેં પ્રૉબ્લેમ હૈ. મેં પૂછ્યું, ક્યા હુઆ? તો કહે, મધુ કી તબિયત ઠીક નહીં હૈ; એક કામ કરતા હૂં, કિસી સે બોલના નહીં; મૈં મેકઅપ કરને જા રહા હૂં; વહાં સે પીછે કે દરવાઝે પર ગાડી ખડી હૈ, ઘર ચલા જાતા હૂં; મધુ કી ચિંતા હો રહી હૈ.”
અને તેઓ જતા રહ્યા. મને સૌ પૂછે, કિશોરદા કહાં ગએ? મેં જવાબ આપ્યો, મૈં ક્યોં બતાઉં; આપ કા હીરો હૈ, આપ હી ઢૂંઢો. He was very sensitive person. તેમણે મધુબાલાની ખૂબ સંભાળ રાખી.
ફિલ્મ ‘દૂર કા રાહી’ (જેના પ્રોડ્યુસર કિશોરકુમાર હતા) માટે સૌને સવારના ૭ વાગ્યે સેટ પર બોલાવ્યા હતા. તે આવ્યા અને કહે, આજ મેરા કામ કરને કા મૂડ નહીં હૈ. હું મેકઅપ રૂમમાં હતી. તૈયાર થઈને આવી અને જોયું કે તે હાર્મોનિયમ લઈને બેઠા હતા. મને કહે, બૈઠ, તુઝે ગાના સુનાતા હૂં. અને તેમણે એક પછી એક ગીત ગાઈને મને ખૂબ રડાવી. તેમની ગાયકીમાં અજીબ દર્દ હતું, એ આજે પણ ભુલાયું નથી. પછી શું સૂઝ્યું કે અડધો કલાક તેમણે ‘ઇના મીના ડિકા’ અને બીજાં ગીતો એવા અજબ ચેનચાળા કરીને ગાયાં કે હસી-હસીને મારું પેટ દુખી ગયું. He has a weird personality. પહેલાં ખૂબ રડાવી અને પછી હસાવી. He was genius. આટલું થયા પછી કહે, આજે શૂટિંગ કૅન્સલ, કાલે સવારે ૭ વાગ્યે આવી જજે.
lll
તનુજાએ પોતાની શરતોએ જિંદગી જીવી છે. લગ્ન થયા બાદ હાથમાં હતી એ ફિલ્મો પૂરી કરી અને નવી ફિલ્મો સાઇન કરવાનું બંધ કર્યું. એમ કહેતી કે હવે મારે રિટાયર થઈને પરિવાર સાથે હરવું-ફરવું છે, દીકરીઓને સારી રીતે ઉછેરવી છે. જોકે જીવન આપણા નક્કી કરેલા નકશા પ્રમાણે જિવાતું નથી. થોડાં વર્ષમાં જ તેના છૂટાછેડા થયા અને ઘર અને બાળકોની જવાબદારી તનુજા પર આવી. એક વાત સારી એ હતી કે અલગ થયા બાદ પણ શોમુ મુખરજીએ પરિવારની સારી રીતે કાળજી લીધી.
૧૯૮૦માં તનુજાએ ૩૬ વર્ષની ઉંમરે ચરિત્ર અભિનેત્રી તરીકે ફિલ્મોમાં કામ શરૂ કર્યું. ‘ખુદ્દાર’, ‘યારાના’ , ‘પ્રેમરોગ’, ‘યાદગાર’, ‘સોહની મહિવાલ’, ‘જાલ’, ‘શાનદાર’, ‘દુશ્મન’ અને બીજી ફિલ્મોમાં તેના ‘કૅરૅક્ટર રોલ’ની વિવેચકોએ પણ તારીફ કરી છે. ૧૯૮૬માં એક સિંહલા (પાડોશી દેશ શ્રીલંકાની ભાષા) ફિલ્મમાં તેનો હિરોઇન તરીકે રોલ હતો. ગુજરાતી ફિલ્મો ‘માલવપતિ મુંજ’માં ઉપેન્દ્ર ત્રિવેદી અને ‘નારી તું નારાયણી’માં દીપક ઘીવાલા સાથે કામ કર્યું. અનેક મરાઠી ફિલ્મોમાં તેની ભૂમિકાની વિશેષ નોંધ લેવાઈ છે. ૨૦૧૩ની ‘પિતૃઋણ’ ફિલ્મ માટે તેણે માથે મુંડન કરાવીને આખી ફિલ્મમાં મહારાષ્ટ્રિયન વિધવાનો રોલ અદ્ભુત રીતે ભજવ્યો. તનુજાની અંતિમ ફિલ્મ ૨૦૨૨માં ‘મૉડર્ન લવ’ આવી. 
૧૯૮૫માં વિખ્યાત ટીવીસિરિયલ ‘ખાનદાન’થી તનુજાની નાના પડદા પર એન્ટ્રી થઈ. ૧૯૯૪માં ‘જુનૂન` સિરિયલમાં કામ કર્યું. અનેક રિયલિટી શોમાં જજની ભૂમિકા નિભાવી. ૨૦૧૭માં ‘આરંભ’, ‘કહાની દેવસેના કી’ સિરિયલ કરી. ૨૦૨૨માં Modern love in Mumbai નામની OTT સિરીઝમાં કામવાળી બાઈનો રોલ બખૂબી નિભાવ્યો.
lll
સંજીવ કુમાર સાથે તેની ખાસ દોસ્તી હતી. ‘અનુભવ’ના દિવસોને યાદ કરતાં તે કહે છે, ‘હરિભાઈ જેવો કલાકાર ન મળે. અમે સારા મિત્રો હતાં. લિમિટેડ બજેટ હોવાથી જ્યારે અમને બન્નેને ફુરસદ હોય ત્યારે શૂટિંગ કરતાં. મોટા ભાગનું શૂટિંગ બાસુદાના ફ્લૅટમાં થયું હતું. શૂટિંગ પહેલાં અમે ખૂબ મજાકમસ્તી કરીએ. ફિલ્મમાં અમે સિરિયસ પાત્ર ભજવતાં હતાં. ત્યારે મારાં લગ્ન નહોતાં થયાં. લોકો કહેતા કે કેટલી સહજ ઍક્ટિંગ છે, પતિ-પત્ની વચ્ચેના તનાવનાં દૃશ્યો એકદમ વાસ્તવિક લાગે છે. હું કહેતી કે મને પડદા પર રડવું બહુ ગમે છે. આમ પણ એ દૃશ્યો ભજવવા સહેલાં હતાં, કારણ કે બાસુ ભટ્ટાચાર્ય અમને પોતાના જીવનની ઘટના કહીને એવી જ રીતે ઍક્ટિંગ કરવાનું કહેતા એટલે અમારા માટે કામ સાવ સહેલું થઈ જતું.
ફિલ્મ ‘દો ચોર’માં શોભના સમર્થ અને તનુજા મા-બેટીનો રોલ ભજવતાં હતાં. બન્નેનાં દૃશ્યો સાથે હોય ત્યારે અમુક દૃશ્યનું શૂટિંગ પૂરું થાય એટલે મા દીકરીને કહે, ‘તારા ચહેરા પરથી મને ખબર પડી ગઈ કે આ સીનમાં તને જરા પણ ઇન્ટરેસ્ટ નહોતો. ભલે બીજા ગમે એટલાં વખાણ કરે, પણ તારે આ સીનમાં સિરિયસલી ઍક્ટિંગ કરવાની જરૂર હતી.’
હકીકતમાં મારા સંયમિત અભિનય માટે હું ગુરુદત્તની ઋણી છું. ‘બહારે ફિર ભી આએગી’ના સેટ પર તેમણે મને સમજાવ્યું કે You should tone down your performance. તે કહેતા કે તું એક જન્મજાત રમતિયાળ કલાકાર છે, પણ તારે કૅરૅક્ટરને સમજીને અભિનય કરવાનો છે. તેમનું સૂચન ભૂલીને હું વારંવાર ભૂલો કરતી એમ છતાં તે ધીરજથી કામ લેતા. ગમે એટલા રીટેક થાય તો પણ તે ગુસ્સે ન થાય. તેમના જેવો મહાન કલાકાર કાચી ઉંમરે વિદાય થયો એ દુખની વાત છે.’
lll
તનુજાની દાદી રતનબાઈ મૂંગી ફિલ્મોમાં કામ કરતાં. માતા શોભના સમર્થ વીતેલા યુગનાં સફળ અભિનેત્રી હતાં, પરંતુ તેમનો અભિનય નાટકીય હતો. મોટી બહેન નૂતન એક સમર્થ અભિનેત્રી હતી, જેની આંખોમાં ભારોભાર અભિનય તરવરતો હતો. એવું લાગે કે તનુજાની અદાયગીમાં ૩ પેઢીના અભિનયનો અર્ક અને અભિનયક્ષમતાનું મિશ્રણ હતું. 
બન્ને પુત્રીઓ સાથે તનુજાનો વ્યવહાર એક મિત્ર તરીકેનો હતો. એક દિવસ પુત્રી કાજોલે માતાને કહ્યું કે હું અને અજય (દેવગન) પ્રેમમાં છીએ અને લગ્ન કરવાના છીએ. તનુજાએ જરા પણ વિરોધ કર્યા વિના સંમતિ આપી. જોકે તેને એક ફરિયાદ હતી. જ્યારે-જ્યારે અજય લૅન્ડલાઇન પર ફોન કરે ત્યારે જો તનુજાએ ફોન ઉપાડ્યો હોય તો ‘કૈસે હો આપ’ કહે. લગ્ન બાદ પણ ફોન પર તનુજાને ‘મૉમ’ ન કહે. એટલે તનુજાએ તેને અલ્ટિમેટમ આપ્યું, ‘જો મૉમ નહીં કહે તો કાજોલ સાથે વાત નહીં કરવા દઉં.’
તનુજા પુત્રીઓને કહેતી, ‘If anything you feel like doing, do it. But don’t cross the limit.’ કેવળ કાજોલ અને તનીશા નહીં, નાના ભાઈ જયદીપ માટે પણ તનુજા એક ‘મધર ફિગર’ હતી. માતા શોભના સમર્થ અને મોટી બહેન નૂતન વચ્ચેના કાનૂની વિવાદમાં તે માતાના પક્ષે અડીખમ ઊભી રહી. 
તનુજાએ ૭૦ વર્ષની ઉંમરે બન્ને પુત્રીઓ સાથે બિકિની પહેરીને ફોટોશૂટ કરાવ્યું ત્યારે લોકોએ માનવું પડ્યું કે તે સાચા અર્થમાં Bold and Beautiful હતી.

-રજની મહેતા 

kajol tanishaa mukerji ajay devgn bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood