તલાશ હિટ કે ફ્લૉપ?

04 December, 2012 04:38 AM IST  | 

તલાશ હિટ કે ફ્લૉપ?




આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’ ૩૦ નવેમ્બરે એટલે કે કોઈ રજા ન હોય એવા શુક્રવારે રિલીઝ થઈ. મોટા ભાગના ખાન ઍક્ટરો પોતાની ફિલ્મ ઈદ, દિવાળી કે ક્રિસમસની રજાઓ દરમ્યાન રિલીઝ કરવાનું પ્લાન કરે છે; પણ આમિરે રજા સિવાયના દિવસોમાં ફિલ્મ રિલીઝ કરીને જુગાર જ ખેલ્યો. જોકે પહેલા વીક-એન્ડમાં તો આમિરની ફિલ્મને સારો રિસ્પૉન્સ મળ્યો છે. ટ્રેડ-ઍનલિસ્ટોનું કહેવું છે કે ‘તલાશ’ હિટ છે કે નથી એ કહેવું હાલમાં ઘણું વહેલું ગણાશે. હજી આ વીકના કલેક્શન પરથી બૉક્સ-ઑફિસ પરનો ફિલ્મનો રિસ્પૉન્સ ખબર પડશે.

‘તલાશ’નો ફસ્ર્ટ વીક-એન્ડનો કુલ વકરો ૪૪.૪૬ કરોડ (શુક્રવારે ૧૨.૭૪, શનિવારે ૧૪.૬૧ અને રવિવારે ૧૭.૧૧) થયો હતો, જ્યારે ‘લાઇફ ઑફ પાઇ’નો પહેલા અઠવાડિયાનો ૧૯.૮૫ કરોડ અને વીક-એન્ડનો એક કરોડ એમ થઈને પહેલા દસ દિવસનો વકરો ૨૦.૮૫ કરોડ સુધી પહોંચ્યો છે.

બીજી તરફ દિવાળી સમયે રિલીઝ થયેલી બન્ને ફિલ્મો ‘સન ઑફ સરદાર’નું ૧૦૨.૭૫ કરોડ અને ‘જબ તક હૈ જાન’નું ૧૧૮ કરોડ કલેક્શન થયું છે.

ટ્રેડ-ઍનલિસ્ટ અમોદ મેહરા કહે છે, ‘પહેલો દિવસ ઓકે ટાઇપનો હતો. બીજા દિવસે કલેક્શનમાં સામાન્ય વધારો જોવા મળ્યો અને રવિવારે ઘણો જ ઉછાળ આવ્યો. ફિલ્મને ક્રિટિક્સ અને જનરલ પબ્લિકે વખાણી છે. જોકે સિંગલ સ્ક્રીનમાં ફિલ્મે એકદમ સામાન્ય દેખાવ કર્યો છે. એટલે હકીકત તો આખા અઠવાડિયાના કલેક્શનની ગણતરી પછી જ જાણવા મળશે. પહેલા ત્રણ દિવસમાં આમિરના ચાહકો ફિલ્મ જોવા આવ્યા ને હવે ફિલ્મ કેવી છે એના પર બધો આધાર છે. દર્શકોને ફિલ્મની ક્લાઇમૅક્સ પસંદ નથી પડી. આવતા અઠવાડિયે ‘ખિલાડી ૭૮૬’ જેવી ફિલ્મ આવી રહી છે એનાથી ‘તલાશ’ના કલેક્શન પર જરૂર ફરક પડશે. જોકે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘણી ચાલી છે.’

ટ્રેડ-ઍનલિસ્ટ અતુલ મોહનનો મત છે કે ‘ફિલ્મે ઘણું જ સારું કાઠું કાઢ્યું છે, પણ એ બનાવવાનો ખર્ચ ઘણો મોટો છે એને કારણે તકલીફ છે. કદાચ આ ફિલ્મનો ખર્ચ જ ૮૦થી ૯૦ કરોડનો છે. એટલે આ વીક દરમ્યાન જો આ જ ગતિએ કલેક્શન થાય તો માંડ ફિલ્મનો ખર્ચો નીકળે. અન્ય હકોના વેચાણમાંથી મળેલી રકમને કારણે કદાચ બધું લેવલ થઈ જાય.’