પહેલા દિવસનું ‘તડપ’નું કલેક્શન ૪.૦૫ કરોડ

05 December, 2021 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘અંતિમ : ધ ફાઇનલ ટ્રુથ’ ફિલ્મે ૮ દિવસમાં કર્યો ૩૦.૬૦ કરોડનો બિઝનેસ

‘તડપ’

અહાન શેટ્ટીની પહેલી ‘તડપ’ ફિલ્મે શુક્રવારે રિલીઝ થતાં ૪.૦૫ કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે તારા સૂતરિયા લીડ રોલમાં છે. ફિલ્મના પ્રીમિયર શોમાં બૉલીવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. મિલન લુથરિયાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ રોમૅન્ટિક-ઍક્શન ડ્રામાને જોવા વીક-એન્ડમાં પણ લોકો પહોંચશે એવી શક્યતા છે. આ ફિલ્મ ૩૦ કરોડ રૂપિયામાં બની છે. ફિલ્મની જાહેરાત ૨૦૧૯માં સાજિદ નડિયાદવાલાએ કરી હતી, જે ૨૦૧૮માં આવેલી તેલુગુ ફિલ્મ ‘RX 100’ની રીમેક છે. કોરોનાને કારણે લાગેલા લૉકડાઉનને લીધે અનેક ફિલ્મોનું શૂટિંગ અટકી પડ્યું હતું. એ દરમ્યાન અહાને અને તારાએ પોતાના રોલને વધુ સચોટ બનાવવા માટે અનેક રિહર્સલ્સ અને વર્કશૉપ્સ કર્યાં હતાં. ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને મસુરીમાં થયું હતું. સલમાન ખાનની ‘અંતિમ ઃ ધ ફાઇનલ ટ્રુથ’ પણ ઍક્શનથી ભરપૂર છે. ફિલ્મ ૨૬ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં આયુષ શર્મા અને મહિમા મકવાણા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ માટે આયુષે બૉડી બનાવવા માટે સખત મહેનત કરી હતી. મહેશ માંજરેકરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં આયુષે રાહુલિયાનો નેગેટિવ રોલ કર્યો છે. ફિલ્મના ક્લાઇમૅક્સ વખતે આયુષ શર્મા ૩૩ કિલોમીટર સુધી દોડ્યો હતો. આ ચેઝિંગ સીક્વન્સના શૂટને પૂરું થવામાં લગભગ પાંચથી છ કલાક લાગ્યા હતા. રિલીઝ બાદથી આ ફિલ્મે ૩૦.૬૦ કરોડનો બિઝનેસ કર્યો છે. હજી એમાં આ વીક-એન્ડના આંકડા જોડવાથી કલેક્શન વધવાની શક્યતા છે. સલમાન ખાન હાલમાં આ ફિલ્મને વિવિધ શહેરોમાં જઈને રિલીઝ બાદ પ્રમોટ કરી રહ્યો છે. 

entertainment news bollywood bollywood news