17 July, 2019 06:26 PM IST | મુંબઈ
એક તરફ બોલીવુડની બીજી સેલિબ્રિટીઝને ટ્રોલર્સ પરેશાન કરે છે, ત્યાં સાંડ કી આંખની પ્રકાશી તોમર એટલે કે તાપસી પન્નુને ટ્રોલર્સ મજેદાર લાગે છે. તાપસી પન્નુના કેવા પ્રમાણે સોશિયલ મીડિયા પર થતા ટ્રોલ ખૂબ જ મજેદાર હોય છે.
તાપસી પન્નુએ આ વાત ત્યારે કહી જ્યારે સોશિયલ મીડિયા પર એક ટ્રોલરે તેમને સસ્તી અભિનેત્રી કહેવાની સાથે સાથે કહ્યું હતું કે તેની માનસિક સ્થિતિ બરાબર નથી.
આ ટ્રોલના જવાબમાં તાપસીએ કહ્યું,'બરાબર છે સર. શું તમે મને થેરાપી સેશન આપશો. સાથે જ ભાવતાલ દરમિયાન મને એ પણ કહેજો કે મોંઘી અભિનેત્રી કેવી રીતે બની શકાય. મોંઘવારી તો મારામાં પણ હોવી જોઈએને.' અભિનેત્રીના એક ફેને કહ્યું કે આવા ટ્રોલને નજર અંદાજ કરવા જોઈએ. તેઓ ક્યારેય બદલાતા નથી.
આ મામલે પણ અભિનેત્રી તાપસી પન્નુએ તેના ફેનને જવાબ આપ્યો. તાપસી એ કહ્યું,'હું પણ નથી ઈચ્છતી કે તેઓ બદલાય. તેઓ મનોરંજક છે. તેમના બદલવાની આશા રાખીને તેમના હ્યુમરને મારવું ન જોઈએ. તેઓ આપણને ઘણું બધું આપે છે. બસ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા પર છે.' ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર નથી જ્યારે તાપસીએ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો હોય.
બીજી તરફ વર્ક ફ્રંટની વાત કરીએ તો તાપસીની આગામી ફિલ્મ સાંડ કી આંખ અને મંગલયાન ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે.