05 April, 2023 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વસ્તિકા મુખરજી
સ્વસ્તિકા મુખરજીએ પ્રોડ્યુસર પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ લગાવ્યો છે. તેની મૉર્ફ કરેલી ન્યુડ ઇમેજિસ સર્ક્યુલેટ કરવાની તેણે ફરિયાદ કરી છે. સ્વસ્તિકા છેલ્લે અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘કલા’માં જોવા મળી હતી. તે હવે પાંચ મેએ રિલીઝ થઈ રહેલી બંગાળી ફિલ્મ ‘શિબપુર’માં જોવા મળવાની છે. ‘શિબપુર’ના કો-પ્રોડ્યુસર સંદીપ સરકાર અને તેના અસોસિએટ પર સ્વસ્તિકાએ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ લગાવ્યો છે. કલકત્તાના ગૉલ્ફ ગ્રીન પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ ફાઇલ કરી છે. આ ફરિયાદમાં તેણે લખાવ્યું છે કે તેને પ્રોડ્યુસર દ્વારા ધમકીભરી ઈ-મેઇલ આવી રહી છે. તેમ જ તેના ફોટોને મૉર્ફ કરીને પૉર્ન સાઇટ પર પણ અપલોડ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને કારણે તેણે ઈસ્ટર્ન ઇન્ડિયા મોશન પિક્ચર્સ અસોસિએશનને પણ ફરિયાદ કરી છે અને ધમકીભરી ઈ-મેઇલની તેણે સ્કૅન્ડ કૉપી પણ મોકલી છે. કો-પ્રોડ્યુસર સંદીપ સરકારની લીગલ ટીમે સ્ટેટમેન્ટમાં કહ્યું કે એમાં પ્રોડ્યુસરનો કોઈ હાથ નથી અને ફિલ્મના ડિરેક્ટર અરિન્દમ ભટ્ટાચાર્ય દ્વારા તેને ચડાવવાને કારણે તેણે આ ફરિયાદ કરી છે.