મારી કરીઅરને ઘડવામાં સુશાંતે ખૂબ મદદ કરી હતી:કોરિયોગ્રાફર ગણેશ હિવારકર

15 September, 2020 08:48 PM IST  |  Mumbai | Agencies

મારી કરીઅરને ઘડવામાં સુશાંતે ખૂબ મદદ કરી હતી:કોરિયોગ્રાફર ગણેશ હિવારકર

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં કોરિયોગ્રાફર ગણેશ હિવારકરે જણાવ્યું હતું કે તેની કરીઅરને બનાવવામાં તેણે ખૂબ મદદ કરી હતી. સુશાંતનું ૧૪ જૂને અપમૃત્યુ થયું હતું. ત્યાર બાદથી તેના નિધન સાથેનું રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે. સૌકોઈ તેની સાથેની યાદગાર પળોને યાદ કરે છે. એવામાં સુશાંતે કઈ રીતે મદદ કરી હતી એ વિશે જણાવતાં કોરિયોગ્રાફર ગણેશે કહ્યું હતું કે ‘આ ૨૦૦૭ની વાત છે. મારા ડાન્સ ક્લાસ માટે બ્રોશર બનાવવાની સલાહ સુશાંતે આપી હતી. એ સમયમાં મને એ વિશે વધુ માહિતી નહોતી. હું પાંચથી છ સ્ટુડન્ટ્સ સાથે મારા ક્લાસ ચલાવતો હતો. સુશાંત શ્યામક દાવર સાથે જોડાઈ ગયો હતો. તેણે મને કહ્યું હતું કે વધુ સ્ટુડન્ટ્સ મેળવવા માટે મારે ઍડ્વર્ટાઇઝ કરવી પડશે. તે મારી પાસે શ્યામકનું બ્રોશર અને કૅલેન્ડર લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે તારે પણ આવી રીતે બ્રૅન્ડિંગ કરવું પડશે. સુશાંતે ન માત્ર મને બ્રોશરનો આઇડિયા આપ્યો હતો, પરંતુ એને બનાવી પણ આપ્યું હતું. મને આજે પણ યાદ છે કે તે આખી રાત કમ્પ્યુટર પર બેસીને મારા ડાન્સ ક્લાસ માટે યોગ્ય નામ શોધી રહ્યો હતો. બ્રોશરની ડિઝાઇન બનાવી હતી, એના પર બાળકો માટે અને વયસ્કો માટે શું લખવું જેથી વધુ સ્ટુડન્ટ્સ મળે એની પણ તેણે જ તૈયારી કરી હતી. સાથે જ બ્રોશર માટે તેણે પોતાનો પોઝ આપ્યો હતો એટલું જ નહીં, બ્રોશરનો ખર્ચ પણ તેણે જ ઉઠાવ્યો હતો. હું મિડલ ક્લાસ ફૅમિલીથી આવ્યો હોવાથી મને ખર્ચ પોસાય એમ નહોતું. એ સમયે લગભગ ૧૫થી ૨૦ હજારનો ખર્ચ આવ્યો હતો. એ વખતે એક સ્ટુડન્ટની હું એક હજાર ફી લેતો હતો. મુંબઈમાં મારે પાંચહજાર રૂપિયામાં જ રહેવાનું હતું. એથી બ્રોશર પર આટલો ખર્ચ કરવાનું હું વિચારી પણ નહોતો શકતો. એ વખતે તો તે પણ સ્ટ્રગલ કરતો હતો. જોકે મારા બ્રોશર પર ખર્ચ કરતી વખતે તેણે જરા પણ નહોતું વિચાર્યું. તેણે ન માત્ર મને સુસાઇડ કરતાં બચાવ્યો હતો પરંતુ એક ડાન્સ ટીચર તરીકે મારી કરીઅર પર ધ્યાન આપવામાં પણ મારી મદદ કરી હતી. મારા માટે આ સુશાંત હતો.’

સુશાંત સિંહ રાજપૂતની યાદમાં પૂરા વિશ્વમાં એક લાખ છોડ વાવવામાં આવ્યા

સુશાંત સિંહ રાજપૂતની યાદમાં લોકોએ એક લાખ જેટલા છોડ વાવ્યા હતા. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ભાઈને યાદ કરતાં પ્લાન્ટ્સ ફૉર સુશાંત સિંહ રાજપૂત પહેલ શરૂ કરી હતી. એમાં વિશ્વભરના લોકોએ ભાગ લીધો હતો. એમાં ભાગ લઈને અંકિતા લોખંડેએ પણ છોડ વાવ્યો હતો. જેણે પણ છોડ વાવ્યો હતો એની નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્વેતાએ કૅપ્શન આપી હતી કે ‘એક લાખથી પણ વધુ ઝાડ પૂરા વિશ્વમાં પ્લાન્ટ્સ ફૉર સુશાંત સિંહ રાજપૂત પહેલ હેઠળ લોકોએ વાવ્યા હતા. આ પહેલમાં ભાગ લેવા માટે સૌનો આભાર.’

bollywood sushant singh rajput bollywood news bollywood gossips