13 July, 2021 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તામિલની ‘સૂરરાઈ પોટરુ’ની હિન્દીમાં રીમેકથી ખુશ છે સૂર્યા
સૂર્યાની ‘સૂરરાઈ પોટરુ’ની હિન્દીમાં રીમેક બનવાના સમાચારથી તે ખુશ થઈ ઊઠ્યો છે. ૨૦૨૦માં રિલીઝ થયેલી આ ફિલ્મ ઍર ડેક્કનના સંસ્થાપક કેપ્ટન જી. આર. ગોપીનાથના જીવન પર આધારિત હતી. તેમણે સામાન્ય માણસનું વિમાનમાં બેસવાનું સપનું પૂરું કર્યું હતું. લોકોના સપનાને ઉડાન આપવા માટે તેમણે ફૅમિલી અને ફ્રેન્ડ્સની મદદ લીધી હતી. આ ફિલ્મને ૭૮મા ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં બેસ્ટ ફૉરેન ફિલ્મ કૅટેગરીમાં દેખાડવામાં આવી હતી. સાથે જ ૯૩મા ઍકૅડેમી અવૉર્ડ્સમાં પણ મોકલવામાં આવી હતી. આ ફિલ્મને ડિરેક્ટ કરનાર સુધા કોનગરા હિન્દી રીમેકને પણ ડિરેક્ટ કરશે. સૂર્યા વિક્રમ મલ્હોત્રા સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરશે. હવે એને હિન્દીમાં રીમેક કરવામાં આવશે એ વિશે સૂર્યાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ ‘સૂરરાઈ પોટરુ’ને જે પ્રકારે પ્રેમ અને પ્રશંસા મળ્યાં હતાં એ અતુલનીય હતાં. જે ક્ષણે મેં એની સ્ટોરી સાંભળી એ વખતે જ મને લાગ્યું કે આને અન્ય ભાષાઓમાં પણ બનાવવી જોઈએ, કારણ કે એની સ્ટોરી લોકો સુધી પહોંચવી જરૂરી છે. કૅપ્ટન ગોપીનાથની પ્રેરણાદાયી સ્ટોરીને હિન્દીમાં બનાવવા માટે અબુન્દન્તિયા એન્ટરટેઇનમેન્ટ સાથે પાર્ટનરશિપ કરવાની મને અતિશય ખુશી છે.’
બીજી તરફ ડિરેક્ટર સુધાએ પણ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘સૂરરાઈ પોટરુ’ની સ્ટોરી સાંભળતાં જ હું આકર્ષિત થઈ હતી. કૅપ્ટન ગોપીનાથ સાહસથી ભરપૂર અને ૯૦ન દાયકામાં એક નવભારતના નિર્માણમાં સહયોગ કરનાર ઑન્ટ્રપ્રનર હતા. આ ફિલ્મને મળેલા પ્રેમથી હું સૌની આભારી છું અને આ અનોખી સ્ટોરીને હિન્દીમાં જણાવવા માટે ઉત્સુક છું. આશા છે કે જે પ્રકારે ઓરિજિનલને પ્રેમ મળ્યો એવો જ પ્રેમ આ રીમેકને પણ મળશે.’