midday

સમયની સાથે આપણી અંદર મૅચ્યોરિટી આવતી જાય છે : સની દેઓલ

25 December, 2023 05:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે રિલીઝ થયેલી સની દેઓલની ‘ગદર 2’એ ખૂબ ધમાલ મચાવી હતી. એને માટે તેણે સક્સેસ પાર્ટી પણ રાખી હતી.
સની દેઓલ

સની દેઓલ

સની દેઓલનું કહેવું છે કે યુવાનીમાં આપણો સ્વભાવ અલગ હોય છે અને સમયની સાથે આપણી અંદર મૅચ્યોરિટી આવતી જાય છે. આ વર્ષે રિલીઝ થયેલી સની દેઓલની ‘ગદર 2’એ ખૂબ ધમાલ મચાવી હતી. એને માટે તેણે સક્સેસ પાર્ટી પણ રાખી હતી. ૧૯૯૩માં આવેલી ‘ડર’માં શાહરુખ ખાન સાથે કામનો અનુભવ તેનો ખૂબ કડવો રહ્યો હતો. જોકે ‘ગદર 2’ માટે રાખેલી સક્સેસ પાર્ટીમાં શાહરુખે હાજરી આપી હતી, પણ બન્ને એકમેકને મળી શક્યા નહોતા. એ વિશે સની દેઓલે કહ્યું કે ‘હું શાહરુખ ખાનનો આભાર માનું છું. તે દુબઈમાં ‘જવાન’ના પ્રમોશનમાં વ્યસ્ત હતો એટલે મને લાગ્યું હતું કે તે નહીં આવી શકે, પરંતુ તે ત્યાંથી સીધો પાર્ટીમાં આવ્યો હતો. તે થોડા સમય માટે આવ્યો હતો. જોકે મને એ પાર્ટી બાદ તેને મળવાનો કે તેની સાથે વાત કરવાનો સમય નથી મળ્યો. અમે જ્યારે પણ મળીશું ત્યારે મજા આવશે. અમે ઍક્ટર્સ સાથે ક્યારેક કોઈ ઘટના બને છે. આપણે જ્યારે જુવાન હોઈએ ત્યારે થોડા અલગ સ્વભાવના હોઈએ છીએ અને સમયની સાથે આપણે મૅચ્યોર થતા જઈએ છીએ. વાસ્તવમાં લાઇફ શું છે એ સમજવા માંડીએ છીએ. આપણે બધા થોડા ઘણા બદલાઈ જઈએ છીએ. એની જ તો સુંદરતા છે. સમય દરેક ઘાને ભરી દે છે.’

સલમાન ખાન જોકે બૉબી દેઓલ અને ધર્મેન્દ્રની ખૂબ નજીક છે. સલમાન અને સનીએ ‘જીત’માં કામ કર્યું હતું. સલમાન સાથે પસાર કરેલા સમય વિશે સનીએ કહ્યું કે ‘અમે  ગોવામાં લગભગ બેથી ત્રણ કલાક પસાર કર્યા હતા. અમે ખૂબ હસ્યા હતા અને મજાક પણ કરી હતી. અમે સાથે કામ કરવા વિશે પણ ચર્ચા કરી હતી. સલમાન ખૂબ ખુશ છે. મને યાદ છે કે તેણે મને કૉલ કર્યો હતો અને તે ખૂબ ઇમોશનલ હતો. તેણે મને જણાવ્યું કે તે મને કેટલો પ્રેમ કરે છે. આવાં કનેક્શન અમારી વચ્ચે છે.’

sunny deol Shah Rukh Khan Salman Khan gadar 2 entertainment news bollywood news