બધાને ખબર હતી કે કોણ સાચું હતું અને કોણ ખોટું

13 April, 2025 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડર ફિલ્મ વખતે શાહરુખ ખાન-યશ ચોપડા સાથે થયેલા ઝઘડા વિશે સની દેઓલે આપ્યું મોટું નિવેદન. ફિલ્મના પ્રમોશન વખતે મુખ્ય ઍક્ટર સની દેઓલે આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં શાહરુખ ખાન સાથે કામ કરવાનું પસંદ કરશે.

સની દેઓલ અને શાહરૂખ ખાન

સની દેઓલ અભિનીત ‘જાટ’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના પ્રમોશન વખતે મુખ્ય ઍક્ટર સની દેઓલે આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં શાહરુખ ખાન સાથે કામ કરવાનું પસંદ કરશે. આવા જ એક ઇન્ટરવ્યુમાં તેણે શાહરુખ સાથેના ૩૨ વર્ષ જૂના ઝઘડા વિશે એક મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે બધાને ખબર હતી કે કોણ સાચું હતું અને કોણ ખોટું.
હાલમાં સની દેઓલને ‘ડર’ ફિલ્મ વખતે શાહરુખ-યશ ચોપડા સાથે થયેલા તેના ઝઘડા વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું હતું કે ‘ઝઘડા તો થતા રહે અને પછી લોકો સમાધાન પણ કરી લે છે. હવે હું કોઈથી નારાજ નથી. જે થયું એ થયું. હવે એ સમય પસાર થઈ ગયો. બધાને ખબર હતી કે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું એટલે આ બધી વાતોનું પુનરાવર્તન કરવાનો કોઈ અર્થ નથી. જો આવું જ કરતા રહીશું તો આગળ વધીશું કઈ રીતે? મેં આ પહેલાં પણ ‘ડર’માં શાહરુખ સાથે કામ કર્યું હતું અને ભવિષ્યમાં પણ તેની સાથે કામ કરવામાં મને કોઈ સમસ્યા નથી. હવે જોઈએ આગળ શું થઈ શકે છે?’

‘ડર’ના  શૂટિંગ વખતે સની દેઓલને તેના રોલના ફિલ્માંકન વિશે અસંતોષ હતો. માનવામાં આવે છે કે ફિલ્મમાં સની દેઓલ અને શાહરુખ ખાનનો સમાંતર રોલ હોવા છતાં યશ ચોપડાએ બન્નેને સાથે ફિલ્મની સ્ટોરી કહેવાને બદલે તેમને અલગ-અલગ નરેશન આપ્યું હતું અને ફિલ્મ સાઇન કરી ત્યારે સનીને ખબર નહોતી કે તેનું પાત્ર શાહરુખ જેટલું મહત્ત્વનું નથી. એ પછી શૂટિંગ દરમ્યાન જ્યારે સનીને ખબર પડી કે તેનો રોલ બહુ નાનો છે ત્યારે તે બહુ અપસેટ થયો હતો. એ પછી સનીએ ક્યારેય યશરાજ ફિલ્મ્સ સાથે કામ નહોતું કર્યું.

sunny deol Shah Rukh Khan yash chopra bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news